સુરતમાં રોંગ સાઈડ સામે ટ્રાફિક પોલીસની ડ્રાઈવ, FRI ઉપરાંત 483 લાયસન્સ રદ કરવા RTOને રિપોર્ટ
સુરત: ગુજરાતમાં અમદાવાદ સહિત મહાનગરોમાં રોંગ સાઈડ ચલાવતા વાહનચાલકો સામે પોલીસની ડ્રાઈવ ચાલી રહી છે. જેમાં સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડમાં ચલાવાતા વાહનચાલકો વિરુદ્ધ એફ.આઈ.આર દાખલ કરવાની સાથે સાથે તેઓના લાઇસન્સ રદ કરવા માટેની પણ કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. માત્ર એક સપ્તાહમાં સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડમાં વાહન હંકારનારા 483 વાહન ચાલકોના લાઇસન્સ રદ કરવા માટે આરટીઓને રિપોર્ટ કરવામાં આવ્યો છે.
સુરત શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા અને રોંગ સાઈડમાં વાહનો હંકારતા વાહનચાલકો સામે પોલીસ દ્વારા સખ્તાઈથી કામ લેવામાં આવી રહ્યું છે. પાંચ કરતાં વધુ વખત ઈ-ચલન જે વાહન ચાલકોના જનરેટ થયા હશે તેવા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા સુધીની ચીમકી શહેર ટ્રાફિક ડીસીપી દ્વારા ઉચ્ચારવામાં આવી છે. તેમજ રોંગ સાઈડમાં વાહન ચલાવનારા સામે શહેર ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. મુખ્યત્વે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.
સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા કુલ 80 જેટલી ટીમો બનાવી દરેક રિજન સર્કલ અને સેમી સર્કલ તરફથી રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 15મી જુનથી 22મી જુન સુધી એટલે કે આઠ દિવસ દરમિયાન 1721 વાહન ચાલકોને સમજાવવામાં આવ્યા છે. જયારે 483 રોંગ સાઈડમાં વાહન ચલાવનારા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે.
સુરત શહેરમાં રોંગ સાઈડને કારણે જે પણ અકસ્માતો થાય છે તે ઘટાડવાના પ્રયાસ સાથે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી અંગે સુરત ડીસીપીએ જણાવ્યું છે કે, “રોંગ સાઈડમાં વાહન હંકારતા ચાલકો સામે પોલીસ ફરિયાદ કરાશે. તેમજ પાંચથી વધુ વખત ઇ-ચલણ જનરેટ થયા હશે તેવા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા RTOને રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે. એક અઠવાડિયામાં રોંગ સાઈડમાં વાહન હંકારતા 483 વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા રિપોર્ટ કરાયો છે. ટ્રાફિકની કડક અમલવારી બાદ ટ્રાફિક વ્યવસ્થામાં મોટો સુધાર આવ્યો છે. રોંગ સાઈડમાં વાહન હંકારવાના કારણે બનતી અકસ્માતની ઘટનાઓને અટકાવવા પોલીસનો પ્રયાસ છે.