Site icon Revoi.in

અમદાવાદમાં શુક્રવારથી ટ્રાફિક પોલીસની ડ્રાઈવ

Social Share

અમદાવાદઃ શહેરમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ સ્કૂટર કે બાઈક લઈને જતા હોય છે. ઘણા વિદ્યાર્થીઓ 125 સીસીના સ્પોર્ટ બાઈક ચલાવીને શાળામાં આવતા હોય છે. મોટાભાગના વિદ્યાર્થી સગીર વયના હોય છે. અને તેમની પાસે ડ્રાઈવિંગ લાયસન્સ પણ હોતુ નથી. ત્યારે ટ્રાફિક પાલીસ દ્વારા શુક્રવારથી વાહન ચલાવતા સગીર વયના બાળકોને પકડવા માટે ડ્રાઈવનું આયોજન કરાયું છે.  જોકે શિક્ષણાધિકારી દ્વારા પણ શાળાઓને પત્ર લખીને બાળકો નિયમ વિરુદ્ધ વાહન લઈને શાળામાં આવતા હોય તો તેમને અટકાવી દેવા જણાવાયું હતું અને એક અઠવાડિયા જેટલો સમય સમજાવવા માટે આપ્યો હતો. જે પૂરો થતાં હવે શુક્રવારથી શિક્ષણાધિકારી, ટ્રાફિક પોલીસ અને RTO સાથે મળીને ડ્રાઈવ યોજવામાં આવશે

અમદાવાદ શહેરમાં અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે તેમાં પણ અકસ્માતમાં સગીર વયના યુવાનો પૂરફાટ ઝડપે વાહન ચલાવતા હોય તેવા કેટલાક કિસ્સા સામે આવ્યા છે. જેથી અમદાવાદ ગ્રામ્ય શિક્ષણાધિકારી દ્વારા તમામ સ્કૂલોને પરિપત્ર જાહેર કરી જાણ કરવામાં આવી છે કે, સ્કૂલમાં આવતા બાળકો નિયમ વિરુદ્ધ વાહન લઈને આવતા હોય તો તેમને અટકાવી દેવા. એક અઠવાડિયા જેટલો સમય સમજાવવા માટે આપ્યો હતો. જે પૂરો થતાં હવે શુક્રવારથી DEO દ્વારા ટ્રાફિક પોલીસ અને RTO સાથે મળીને ડ્રાઈવ યોજવામાં આવશે. જેમાં નિયમ વિરૂદ્ધ વાહન લઈને બાળકો આવશે તો માતા-પિતા સામે કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી (ગ્રામ્ય)એ જણાવ્યું હતું કે, એમવી એક્ટ મુજબ 125 સીસી કરતા વધુ પાવર ધરાવતા દ્વિચક્રી વાહનો બાળકોને ચલાવવાની મંજૂરી નથી. છતાં વિદ્યાર્થીઓ વાહનો લઈને સ્કૂલે આવે છે. જેના કારણે બાળકો, વાલી અને સ્કૂલની સલામતી જોખમમાં મૂકાય છે. જેથી અમે પરિપત્ર કરીને તમામ શાળાઓને સુચના આપી હતી કે, જે પણ વિદ્યાર્થીઓ અનઅધિકૃત વાહનો લઈને આવે તો સ્કૂલના આચાર્યે વાલીઓને અવગત કરવામાં રહેશે. આગામી સમયમાં અમે RTO અને ટ્રાફિક પોલીસની મદદથી ડ્રાઈવ ચલાવીશું. સૂચના આપ્યા બાદ પણ કોઈ બાળક વાહન લઈને સ્કૂલે આવતો હશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા માત્ર સ્કૂલની બહાર જ નહિ પરંતુ સ્કૂલની અંદર પણ ડ્રાઈવ યોજવામાં આવશે. સ્કૂલના પાર્કિંગમાં જે વાહનો હશે તેમાં બાળકોના વાહનો હશે તો સ્કૂલની અંદર જઈને તપાસ કરવામાં આવશે. બાળક વાહન ચલાવતા ના ઝડપાય. પરંતુ સ્કૂલે વાહન લઈને આવ્યો હશે તે જાણ થાય તો તે અંગે પણ કાર્યવાહી કરવામાં આવશે. એક અઠવાડિયાની મુદત પૂર્ણ થતાં હવે શુક્રવારથી DEO દ્વારા અલગ અલગ સ્કૂલોમાં RTO અને પોલીસ સાથે મળીને સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે. બાળકોને બિન અધિકૃત વાહન આપનારા માતા-પિતા પણ તેટલા જ દોષિત છે. જેથી જિલ્લા શિક્ષણાધિકારી  દ્વારા ડ્રાઈવ યોજવામાં આવશે. આ દરમિયાન લાઇસન્સ વિના વાહન લઈને આવનારા બાળકોને શોધીને બાળકોના માતા-પિતા સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે. આ ડ્રાઈવમાં RTO અને પોલીસની ટીમ પણ સાથે રહેશે. જેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.