Site icon Revoi.in

વાહનો ચલાવતા સગીર બાળકો સામે ટ્રાફિક પોલીસ ડ્રાઈવ કરશે, સ્કૂલ-ક્લાસિસ બહાર વોચ ગોઠવશે

Social Share

અમદાવાદઃ ગુજરાતના મહાનગરોમાં સગીર વયના બાળકો વાહનો ચલાવતા જોવા મળી રહ્યા છે. ઘણીવાર સગીર વાહનચાલકો દ્વારા અકસ્માતના બનાવો બનતા હોય છે. સગીર બાળકોને વાહન ચાલાવવા માટે આપતા વાહનોના માલિક સામે પણ ગુનો નોંધવામાં આવી શકે છે. વાલીઓ પણ પોતાના સંતાનોને ના છૂટકે વાહન ચલાવવા માટે આપતા હોય છે. સ્કુલમાં જવા માટે કે ક્લાસિસમાં જવા માટે સગીર વયના બાળકો દ્વિચક્રી વાહનોનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા વાહનો ચલાવતા સગીરવયના બાળકો સામે ડ્રાઈવ યોજવામાં આવશે. જો કે મોટા ભાગની શાળા-કોલેજોમાં પરીક્ષા કાર્ય પૂર્ણ થઈ જતાં વેકેશન જેવો માહોલ છે. પરંતુ કોચિંગ ક્લાસ ચાલુ છે. એટલે ટ્રાફિક પોલીસ જાણીતા કોચિંગ ક્લાસ નજીક ડ્રાઈવ યોજશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં વાહનો ચલાવતા સગીરોને પકડવા ટ્રાફિક પોલીસ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવશે. છેલ્લા 3 મહિનામાં સગીર સંતાનોએ કરેલા વાહન અકસ્મતાના 15 કિસ્સામાં માતા-પિતા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસે આઈપીસીની કલમ 199 મુજબ ફરિયાદ નોંધી છે. આ ગુનામાં 3 વર્ષ સુધીની જેલની સજા તેમજ 25 હજારના દંડની જોગવાઈ છે. મોટેભાગે માતા-પિતા તેમના સગીર સંતાનને સ્કૂલ કે ટ્યૂશન ક્લાસમાં જવા માટે વાહનો આપતા હોય છે. સગીર સંતાનોને વાહન ચલાવવા માટે આપીને માતા-પિતા મોટું જોખમ કરી રહ્યા છે.ટ્રાફિક પોલીસના કહેવા મુજબ  વગર લાઈસન્સે વાહન ચલાવતા આ સગીરોને લીધે અકસ્માત થવાનું જોખમ વધી જાય છે. આવા કિસ્સા રોકવા વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવશે.

ટ્રાફિક પોલીસના સૂત્રોના જણાવ્યાહતું કે, અમદાવાદ શહેરમાં  આગામી દિવસોમાં ડ્રાઈવના ભાગરૂપે સ્કૂલો, ટ્યૂશન ક્લાસ જવાના રોડ પર ટ્રાફિક પોલીસ વોચ ગોઠવશે અને વાહન લઈને નીકળેલા સગીરને ઝડપી પાડવામાં આવશે. તાજેતરમાં અકસ્માતમાં બેથી ત્રણ સગીરના મોત થયા હતા. ત્યારબાદ ડ્રાઈવ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. (FILE PHOTO)