- ચાર રસ્તા પર શાક માર્કેટ હોવાથી આડેધડ વાહનો પાર્ક કરવામાં આવે છે,
- ટ્રાફિક સિગ્નલ મુકાયા છતાં સ્થિતિ ઠેરના ઠેર,
વડોદરાઃ શહેરના કિશનવાડી ચાર રસ્તા પર ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવારૂપ બની રહી છે. ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે સિંગ્નલ મુકવા છતાંયે ટ્રાફિક જામની સ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે. કિશનવાડી ચાર રસ્તા નજીક શાક માર્કેટ આવેલી છે. અને શાક ખરીદવા આવતા લોકો રોડ પર જ આડેધડ વાહનો પાર્ક કરતા હોવાથી અન્ય વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે.
વડોદરા શહેરમાં દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. જેથી હાલમાં ઘણા 4 રસ્તા પર નવાં ટ્રાફિક સિગ્નલ પર મુકવામાં આવ્યા છે. થોડા સમય પહેલાં શહેરના કારેલીબાગ મુક્તાનંદ સર્કલ, વુડા સર્કલ અને કિશનવાડી ચાર રસ્તા પર પણ ટ્રાફિક સિગ્નલ મૂક્યાં છે. જોકે કિશનવાડી ચાર રસ્તા પર સિગ્નલ મૂક્યા બાદ શાક માર્કેટ હટાવ્યું ન હોવાથી ટ્રાફિકની સમસ્યા યથાવત્ છે. રસ્તાની બંને તરફ ઉપરાંત ચાર રસ્તા પર લોકો આડેધડ વાહનો પાર્ક કરતા હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. જેને કારણે ત્યાંથી પસાર થતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
આ અંગે સ્થાનિક કોર્પોરેટરના કહેવા મુજબ શહેરના કિશનવાડી ચાર રસ્તાની નજીક મેદાન આવેલું છે, ત્યાં શાક માર્કેટ ખસેડવામાં પણ આવ્યું હતું. જોકે બાજુમાં જ ડમ્પિંગ યાર્ડ હોવાને કારણે ત્યાં સતત દુર્ગંધ આવે છે, જેને કારણે વેપારીઓને અને ત્યાં શાકભાજી લેવા આવતા લોકોને પણ ઘણી તકલીફ પડે છે. જેથી બાજુમાંથી ડમ્પિંગ યાર્ડ ખસી જશે તો બીજા જ દિવસે શાક માર્કેટ મેદાનમાં ખસી જશે. અને ટ્રાફિકની સમસ્યા હલ થશે. તેના માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.