જૈનોના તિર્થસ્થાન પાલિતાણામાં ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવારૂપ, પાલિકાને કોઈ રસ નથી
પાલિતાણાઃ જૈનોના યાત્રાધામ પાલિતાણા શહેરમાં ટ્રાફિક સમસ્યા દિન પ્રતિદિન વકરતી જાય છે. રોજબરોજ હજારોની સંખ્યામાં યાત્રિકો વાહનો લઈને આવતા હોય છે. ઉપરાંત પાલિતાણામાં પણ વસતી સાથે વાહનોની સંખ્યામાં વધારો થયો છે. શહેરી સાંકડી બજારો એની એ જ છે. બીજુ કે જે નવા કોમર્શિયલ કોમ્પ્લેક્સ બન્યા છે. એમાં વાહન પાર્કિંગ માટેની કોઈ સુવિધા જ નથી.પાર્કિંગ સુવિધા વગરના કોમ્પલેક્ષ ઉભા કરનારા બિલ્ડરો સામે નગરપાલિકા ક્યારે પગલાં લેશે તે પ્રશ્ન છે ?
સૂત્રોના જણાવ્યા મુજબ પાલિતાણા શહેરમાં મોટાભાગના શોપિંગ કોમ્પલેક્ષમાં પાર્કિંગની સુવિધા નથી. બાંધકામના નિયમ મુજબ કોઈપણ શોપિંગ સેન્ટરમાં દુકાન માલિક કે આવતા ગ્રાહકો માટે પાર્કિંગની સુવિધા ફરજિયાત રાખવાની હોય છે. આ મુજબ જ બાંધકામ પ્લાન બનાવવાનો હોય છે પણ પાલિતાણામાં બાંધકામ પ્લાન મંજૂર થઈ ગયા બાદ પાર્કિંગની જગ્યાએ બાંધકામ ઉભુ કરાતુ હોવાનું કહેવાય છે.પાર્કિંગની જગ્યા પ્લાનમાં બતાવવામાં આવે છે. બાદમાં દુકાનો બનાવી નાખવામાં આવે છે. બાંધકામ કર્યા બાદ વાહનો ઉભા રાખવાની જગ્યા મળતી નથી આથી લોકોને ફરજિયાત બહાર રસ્તા પર વાહનો પાર્ક કરવા પડે છે. નગરપાલિકાના સત્તાધિશોને ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે કોઈ જ રસ હોય એવું લાગતું નથી. સ્થનિક આગેવાનોએ પણ આ સંદર્ભે અગાઉ નગરપાલિકાના સત્તાધિશોને રજુઆત કરી હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, પાલિતાણામાં કાયમ ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. જેમાં રોડ સાઈડના દબાણો પણ કારણભૂત બની રહ્યા છે. બીજુ કે,પાર્કિંગ વગરના કોમ્પ્લેક્સ,શોપિંગ સેન્ટરોની તપાસ કરીને પાર્કિંગની જગ્યા નહીં રાખનારા શોપિંગ સેન્ટરોને નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી કરવાની માગ ઊઠી છે.