અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી જાય છે. જેમાં ઘણાબધી વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી. ઉપરાંત રોડ પર આડેધડ વાહનો પાર્ક કરી દેતા હોય છે. દરમિયાન શહેરના 5 સ્પોટ પર 15 દિવસ સુધી કડકપણે ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા ગુજરાત હાઈકોર્ટે આદેશ આપતા પોલીસે ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી છે. શહેરમાં વાહનચાલકો હજુપણ આડેધડ વાહનો પાર્ક કરી રહ્યા છે, ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન ઝાયડસ હોસ્પિટલ પાસેના સર્કલ વિસ્તારમાં અનેક વાહનો રોડ પર પાર્ક કરીને વાહનચાલકો જતા રહ્યા હતા, જે પૈકી કેટલાંક વાહનોને ટ્રાફિક-પોલીસે ટોઈંગ અને લોક કર્યાં હતાં, પરંતુ પોલીસ પાસે પૂરતા લોક ના હોવાથી તમામ વાહનોને લોક કરી શકાયા નહોતા. નો પાર્કિંગનું સાઈન બોર્ડ લગાવ્યું હોવા છતાં ચાલકો વાહન પાર્ક કરીને જતા હતા.
અમદાવાદના 5 ટ્રાફિક પોઇન્ટ પર ટ્રાફિક ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. જેમાં સ્ટેડિયમ સર્કલથી પશ્ચિમ ભાગ તરફ આગળ, ઝાયડસ હોસ્પિટલ સર્કલ , જજીસ બંગલો રોડ, થલતેજથી શીલજ રોડ અને પ્રભાત ચોકથી હાઈકોર્ટ જવાના માર્ગ પર ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. આ માર્ગ પર નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવી રહ્યો છે. શહેરના પાંચ પોઈન્ટ પર આગામી 15 દિવસ અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ચુસ્ત અમલ કરાવાશે. નો-પાર્કિંગમાં વાહનો પાર્ક કરાશે તો સ્થળ પર જ દંડ વસુલાશે. ઉપરાંત વધુ ઝડપે વાહન, સિગ્નલ ભંગ, સિટ-બેલ્ટ ન પહેર્યો હોય કે હેલ્મેટ ન પહેર્યું હોય કે પછી વાહનના દસ્તાવેજ સાથે નહીં હોય તો ટ્રાફિક પોલીસ દંડ ફટકારશે. 15 દિવસ શહેરના 5 સ્થળોએ ટ્રાફિકના નિયમોનો કડક અમલ કરાશે.
ગુજરાત હાઈકોર્ટમાં સરકારી વકીલે કામગીરી અંગે માહિતી આપતા જણાવ્યું કે 10 ફેબ્રુઆરીથી 30 નવેમ્બર,2023 સુધીમાં 24 સ્પેશિયલ ડ્રાઇવ કરીને 51,045 કેસ રજિસ્ટર કરવામાં આવ્યા છે. લોકોને ટ્રાફિક નિયમો વિશે જાગૃત કરાય છે. જાહેર રોડ ઉપર ગેરકાનૂની પાર્કિંગ મુદ્દે પ્રથમ વખત 500 રૂપિયા અને બીજી વખત 1 હજાર રૂપિયા દંડ વસૂલવામાં આવે છે. ટ્રાફિક પોલીસે અમદાવાદમાં 30 બ્લેક સ્પોટ શોધ્યા છે જ્યાં અકસ્માત થાય છે. આ બ્લેક સ્પોટ પર લાંબા અને ટૂંકા ગાળાના પગલાં લેવા માટે તૈયારી કરાઈ છે. આ સાથે છેલ્લા ત્રણ વર્ષમાં થયેલા અકસ્માતમાં 10 લોકોના મોત થયા હોય તેવી જગ્યાઓ પણ શોધાઈ છે. એસ.જી.હાઇવે, સરખેજથી વૈષ્ણોદેવી સર્કલ અમદાવાદ શહેરનો ભાગ અને સાથે નેશનલ હાઇવે પણ છે. ઇસ્કોન જંક્શનથી સાણંદ એપ્રોચ રોડ માટે 4 કિલોમીટર લાંબો એલીવેટેડ કોરિડોર બનશે જેનું ટેન્ડર જાહેર થઇ ચૂક્યુ છે. આ કોરિડોર કરોડોના ખર્ચે બનશે. ટ્રાફિક નિયમો માટે જાગૃતતા કેળવવા શાળાઓ, મોલ વગેરે જગ્યાએ કાર્યક્રમો યોજાય છે. 8451 ટ્રેનિંગ પ્રોગ્રામ રાખવામાં આવ્યા હતા. ટ્રક ડ્રાઈવરોને જાગૃત્ત કરાયા છે.