અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર દિવાળીના તહેવારો અને વર્લ્ડકપ મેચને લીધે ટ્રાફિકનો ધસારો
અમદાવાદઃ દિવાળીના તહેવારોની મોસમ ચાલી રહી છે.ત્યારે અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર પ્રવાસી ટ્રાફિકમાં ખૂબ વધારો થયો છે. ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ એરપોર્ટ યાને ટર્મિનલ નંબર 1 અને 2 ઉપર મોટી સંખ્યામાં પ્રવાસીઓ જોવા મળી રહ્યા છે. દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ તુરંત જ ICC વર્લ્ડ કપની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે જેને લીધે દિવાળી બાદ પણ પ્રવાસી ટ્રાફિક યથાવત રહેવાની શક્યતા છે. જેને લીધે એરપોર્ટ ઓથોરિટી દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. પ્રવાસીઓને પોતાના નિર્ધારિત સમય કરતા વહેલા એરપોર્ટ પર પહોંચવા જણાવવામાં આવ્યું છે.
રાજ્યભરમાં હાલ દિવાળી વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે. દિવાળી વેકેશનને લીધે અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર પ્રવાસી ટ્રાફિકમાં ભારે વધારો થયો છે. એરપોર્ટ પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. આ કારણથી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક એરપોર્ટ દ્વારા પેસેન્જર માટે એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. આ એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે કે, આગામી તહેવારોની સીઝનમાં અને વર્લ્ડ કપની ફાઇનલ મેચ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પ્રવાસીઓની ભારે ભીડ રહેવાની શક્યતા છે. આથી સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુસાફરી કરતા તમામ મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે, એરપોર્ટની કેટલીક ઔપચારિકતા અને ફરજિયાત સુરક્ષા પ્રોટોકોલ પૂર્ણ કરવા માટે વધુ સમયની ફાળવણી કરે. જેને કારણે જો એરપોર્ટ પર વધુ ભીડ હોય તો પણ સમયસર ફ્લાઇટમાં પહોચી શકાય અને મુસાફરી સારી બની રહે. વધુમાં અમદાવાદ એરપોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમારી ટીમો અમદાવાદમાં સુરક્ષિત એર હબ સુનિશ્ચિત કરતી વખતે અમારા પ્રવાસીઓની સુરક્ષાને હંમેશા પ્રાથમિકતા આપવા માટે પ્રતિબદ્ધ છે.