અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલો પર હવે AI ટેકનોલોજીથી મદદથી CCTV દ્વારા ચાંપતી નજર રખાશે,
અમદાવાદઃ શહેરમાં વાહનોની વધતી જતી સંખ્યાને લીધે ટ્રાફિકની સમસ્યા પણ માથાના દુઃખાવારૂપ બની રહી છે. સાથે જ વાહનચાલકો દ્વારા ટ્રાફિક ભંગના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે ચાલુ વાહને મોબાઇલનો ઉપયોગ, રોંગ સાઈડમાં વાહન ચલાવવું, સીટબેલ્ટ વગર ફોર-વ્હીલ કે મોટાં વાહનો ચલાવવાં, તેમજ હેલ્મેટ વગર ટૂ-વ્હીલર ચલાવવું, ટૂ-વ્હીલરમાં ત્રણ સવારી નીકળવું સહિત વિવિધ નિયમોના ભંગ સામે ટ્રાફિક પોલીસ દ્વારા AI ટેકનોલોજીની મદદથી CCTV દ્વારા ચાપતી નજર રાખીને મેમો ફટકારાશે, આ ઉપરાંત મ્યુનિ,કોર્પોરેશન દ્વારા પણ જાહેર રોડ ઉપર થૂંકવું, રસ્તા પર રખડતાં પશુ ભારે વાહનો દ્વારા મટીરિયલ કવર કર્યા વિના લઈ જવા, જાહેર રોડ ઉપર કચરો ફેંકવો, ટ્રાફિક સિગ્નલ બંધ હાલતમાં હોય, લાઈટના થાંભલા અને ફૂટપાથ તૂટેલી હોય તેમજ રોડ ઉપર ખાડા હોય વગેરે પર AI ટેકનોલોજીની મદદથી CCTV દ્વારા ચાપતી નજર રખાશે, AMC દ્વારા પણ અલગથી કન્ટ્રાલરૂમ કાર્યરત કરાયો છે. શહેરમાં 5000થી વધુ CCTV કેમેરા લગાવવામાં આવેલા છે. જેની સાથે પોલીસ અને AMCના બન્ને કંન્ટ્રોલરૂમને જોડી દેવાયા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરમાં 5,000થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીનો ઉપયોગ કરી શહેરના તમામ સીસીટીવી કેમેરાથી પોલીસના અને AMC દ્વારા વિવિધ નિયમોના ભંગ બદલ પણ કાર્યવાહી કરવામાં આવશે, જેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. ત્રણ મહિના બાદ આ સોફ્ટવેર તૈયાર થઈ જશે અને શહેરના લાગેલા તમામ સીસીટીવી કેમેરા અને કંટ્રોલરૂમ સાથે એને જોડી દેવામાં આવશે. ત્યાર બાદ શહેરમાં કોઈપણ પ્રકારના પોલીસ અથવા તો મ્યુનિસિપલ કોર્પોરેશનને લગતા નિયમોના ભંગ બદલ નાગરિકોને દંડ કરવામાં આવશે.
AMCના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે સ્માર્ટ સિટી અંતર્ગત લાગેલા સીસીટીવી કેમેરામાં અત્યાર સુધી પોલીસના લાલ સિગ્નલ ભંગ બદલ દંડ કરવાની જ કાર્યવાહી અંગેનું સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું હતું. પરંતુ હવે સ્માર્ટ સિટી અમદાવાદમાં લાગેલા તમામ સીસીટીવી કેમેરામાંથી પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનને ઉપયોગી કામગીરી કરવામાં આવશે, જેમાં પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ પ્રકારના નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી વિવિધ 20થી 22 જેટલા ટ્રાફિક-પોલીસ અને મ્યુનિ. કોર્પોરેશનના નિયમોના ભંગ બદલ કામગીરી થશે.