- અકસ્માતમાં બે વ્યક્તિઓને થઈ ગંભીર ઈજા
- મધ્યપ્રદેશની પોલીસની ટીમ તપાસ અર્થે હરિયાણા જતી હતી
- પોલીસ કર્મચારીઓના મોતને પગલે પોલીસ તંત્રમાં શોક ફેલાયો
દિલ્હીઃ મથુરા જનપદમાં યમુના એક્સપ્રેસ ઉપર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં મધ્યપ્રદેશના ચાર પોલીસ કર્મચારી સહિત પાંચ વ્યક્તિઓના મોત થયાં છે. યમુના એક્સપ્રેસના માઈલ સ્ટોન 80 ઉપર પુલ ઉપર પૂરઝડપે પસાર થતી જીપકાર અથડાઈને બે ટુકડા થઈ ગયા હતા. જેમાં સવાર મુખ્ય આરક્ષી ભવાની પ્રસાદ, મહિલા આરક્ષી હીરા દેવી, ચાલક જગદીશ, પોલીસ મિત્ર રવિકુમારનું મોત થયું હતું. જ્યારે કમલેશ યાદવને ઈજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તેનું પણ મોત થયું હતું. આ દુર્ઘટનામાં રતિરામ અને પ્રીતિ ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.
મધ્યપ્રદેશના ટીકમગઢના પોલીસની ટીમમાં યુવતીને શોધવા માટે હરિયાણાના બહાદુરગઢ જઈ રહી હતી. દરમિયાન આ માર્ગ અકસ્માત ઘટ્યો હતો. આ બનાવની જાણ થતા સુરીર પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ મૃતદેહોને પીએમ અર્થે મોકલી આપ્યાં હતા. જ્યારે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. વહેલી સવારે સર્જાયેલા અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. જેથી પોલીસે ટ્રાફિકને હળવો કરવા માટે કવાયત શરૂ કરી હતી. પોલીસે ક્રેનની મદદથી દુર્ઘટનાગ્રસ્ત જીપકારને હટાવી હતી. આ દુર્ઘટનાને પગલે પોલીસ બેડામાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.