ડીસા-પાલનપુર હાઈવે પર ટ્રેલરે બાઈકને અડફેટે લેતા દંપત્તી પટકાયું, પત્નીનું મોત, પતિને ઈજા
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. હાઈવે પર પૂરફાટ ઝડપે દોડતા વાહનોને લીધે તેમજ ઓવરટેક કરવા જતાં અકસ્માતો સર્જાતા હોય છે. આવો જ એક અકસ્માત ડીસા-પાલનપુર હાઈવે પર સર્જાયો હતો. જેમાં ટ્રેલરે બાઈકને ટક્કર મારતા બાઈક પર સવાર દંપતી રોડ પર પટકાતાં પત્નીનું મોત નિપજ્યુ હતું. જ્યારે તેના પતિને ઈજાઓ થઈ હતી.
આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, ડીસા-પાલનપુર નેશનલ હાઈવે પર પૂર ઝડપે આવેલા ટ્રેલરએ બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. માણસા ગામના વતની વિનોદ વાપારાણી ડીસા તાલુકાના ભીલડી પાસે રતનપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓ તેમની પત્ની હીનાબેન વાપારાણી સાથે બાઈક પર પાલનપુરથી ડીસા તરફ જઈ રહ્યા હતા. ત્યારે રસાણા નહેર પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે પાછળથી આવેલા ટ્રેલર ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર દંપતી 50 ફૂટ જેટલા ઘસડાયા હતા. જેના કારણે બાઇક પાછળ બેઠેલી મહિલાને ગંભીર ઇજા પહોંચતા લોહીલુહાણ થઈ ગઈ હતી. જ્યારે શિક્ષક વિનોદભાઈને પણ નાની મોટી ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે ઈજાગ્રસ્ત વિનોદભાઈ તેમજ આજુબાજુમાંથી દોડી આવેલા લોકોએ રાહત કામગીરી શરૂ કરી મહિલાને તાત્કાલિક સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં મહિલાનું કરુણ મોત થયું હતું. 10 વર્ષીય એક પુત્રીની માતાનું આકસ્મિક અવસાન થતાં પરિવારમાં માતમ છવાયો હતો. અકસ્માતને પગલે ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.