દિલ્હીઃ છત્તીસગઢની રાજધાની રાયપુરના રેલવે સ્ટેશન ઉપર ઉભેલી ટ્રેનમાં સવારે વિસ્ફોટમાં કેન્દ્રીય રિજર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના છ જવાનો ઘાયલ થયા હતા. રેલવે અને સીઆરપીએફના અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર એક ખાસ ટ્રેન સીઆરપીએફની 211 બટાલિયનના જવાનોને લઈને જમ્મુ જઈ રહી હતી. સવારે લગભગ સાડા છ કલાકે પ્લેટફોર્મ નંબર 2 ઉપર ઉભેલી ટ્રેનની બોગીમાં વિસ્ફોટ થતા નાસભાગ મચી ગઈ હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર સીઆરપીએફના જવાનો ડેટોનેટર અને ઈગ્રાઈટર સેટ એક બોગીથી બીજી બોગી લઈ જઈ રહ્યાં હતા. આ દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટની આ ઘટનામાં છ જવાનો ઘાયલ થયાં છે. ઘાયલોમાં ચવન, વિકાસ, લક્ષ્મણ, રમેશ લાલ, રવિન્દ્ર કર, સુશીલ અને દિનેશ કુમારનો સમાવેશ થાય છે. તમામ ઘાયલ જવાનોને સારવાર અર્થે રાયપુરની નારાયણા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ઈજાગ્રસ્તોમાં હવાલદાર વિકાસ ચૌહાણને વધારે ઈજા થઈ છે. આ ઘટનાની જાણકારી મળતા સીઆરપીએફ અને રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી ગયા હતા. તેમજ ડેટોનેટરમાં વિસ્ફોટ કેવી રીતે થયો તેની જાણકારી મેળવવામાં આવી રહી છે.
રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, બનાવના એક કલાક બાદ સ્પેશિયલ ટ્રેનને જમ્મુ જવા રવાના કરવામાં આવી હતી. રાયપુર રેલવે સ્ટેશન ઉપર ટ્રેનોનો વ્યવહાર ફરીથી સામાન્ય કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર સીઆરપીએફની 211 બટાલિયનના જવાનો ખાસ ટ્રેનમાં જમ્મુ જઈ રહ્યાં હતા. આ દરમિયાન ગ્રેનેડ ડમી કારતુસ બોક્સમાં રાખવામાં આવેલા ડેટોનેટર ટ્રેનની બોગીમાં મુકતાની સાથે વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટમાં સીઆરપીએફના છ જવાનો ઘાયલ થયા હતા. જે પૈકી એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. જો કે, આ બનાવમાં કી સામાન્ય નાગરિકને ઈજા નહીં થઈ હોવાનું જાણવા મળે છે.