ઉનાળાના વેકેશનને લીધે ટ્રેનો હાઉસફુલ, સુરતથી UP જતી ટ્રેનોમાં પગ મુકવાની પણ જગ્યા નહીં
સુરત : રાજ્યમાં મોટાભાગની શાળા કોલેજોમાં વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે ઉનાળું વેકેશન પહેલા જ લોકો બહારગામ ફરવા જવા લાગ્યા છે. મોટા ભાગની ટ્રેનો હાઉસફુલ દોડી રહી છે. જેમાં સુરતથી પરપ્રાંતના મોટાભાગના શ્રમિકો પરિવાર સાથે માદરે વતન જઈ રહ્યા છે. એટલે અગાઉથી બુકિંગ હોવાથી ટ્રેનોમાં નો વેકન્સી જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સુરતમાં રોજગારી અર્થે આવેલા યુપી-બિહારના લોકોને ઉનાળાના વેકેશનમાં પોતાના રાજ્યોમાં જવા માટે ટ્રેનના અભાવે મુશ્કેલી વેઠી રહ્યા છે. ઉત્તર પ્રદેશ જતી અંત્યોદય ટ્રેનના અનરિઝર્વ્ડ કોચમાં પગ મુકવાની પણ જગ્યા જોવા મળતી નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરતથી ઉત્તર ભારત જતી તમામ ટ્રેનો હાઉસફુલ દોડી રહી છે. જેમાં અંત્યોદય ટ્રેનમાં તમામ 18 અનરિઝર્વ કોચમાં પગ મુકવાની જગ્યા પણ જોવા મળતા નથી. અઠવાડિયામાં એકવાર આ ટ્રેન ઉત્તર પ્રદેશ જવા માટે ઉધના રેલવે સ્ટેશનથી ઉપડે છે. સીટ મેળવવા માટે લોકો કલાકો સુધી પ્લેટફોર્મ પર બેસી રહે છે અને ટ્રેન આવે કે તરત જ આંખના પલકારામાં ટ્રેન મુસાફરોથી ભરાઈ જાય છે. ટ્રેનની સીટો પર ત્રણ ઘણા મુસાફરો જોવા મળે છે. કોચના દરવાજામાં પણ લોકો તેમના બાળકો સાથે ઉભા હોય છે. ટ્રેનની તસવીરો પરથી ખ્યાલ આવે છે કે ટ્રેનના દરવાજામાં ઉભેલા મુસાફરો માટે આ મુસાફરી કેટલી જોખમી છે. મુસાફરોથી ભરેલી ટ્રેનમાં દરવાજા સુધી મુસાફરીથી ભરેલી જોવા મળશે. એક તરફ કાળઝાળ ગરમીમાં આ ભરચક ટ્રેનમાં મુસાફરોની હાલત કફોડી બની છે. જે ટ્રેનમાં એટલા બધા મુસાફરો હોય છે કે પગ મુકવાની પણ જગ્યા નથી. અન્ય ટ્રેનોમાં રિઝર્વેશન તેમને મળતુ નથી. બીજી બાજુ આ ટ્રેન માટે પણ તેમને પ્લેટફોર્મ પરથી ટિકિટ મેળવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડે છે. શાળાઓમાં 15મી એપ્રિલથી રજા શરૂ થઈ ગઈ છે અને હવે પોતપોતાના ગામોમાં જનારા પ્રવાસીઓની ભીડ વધવા લાગી છે. સુરતના વિવિધ ઉદ્યોગમાં લાખોની સંખ્યામાં યુપી બિહારના શ્રમિકો રોજગારી માટે આવે છે અને જ્યારે પણ શાળાઓની રજા થાય તેવો પોતાના માદરે વતન જતા હોય છે પરંતુ ટ્રેનની અછતના કારણે દર વર્ષે તેમને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, અનરિઝર્વ્ડ અંત્યોદય ટ્રેન ઉધના અને જયનગર વચ્ચે નીકળી હતી. જેને પકડવા માટે હજારો મુસાફરો એકઠા થયા હતા. ઉનાળાની રજાઓમાં તાપ્તી ગંગા સહિત અન્ય ટ્રેનોમાં ટિકિટ ઉપલબ્ધ ન હતી. જેના કારણે આ અનરિઝર્વ્ડ અંત્યોદય ટ્રેનમાં ભારે ભીડ જોવા મળી હતી.આ ટ્રેનની ક્ષમતા બે હજાર મુસાફરોને લઈ જવાની છે. આ માટે સવારના 5 વાગ્યાથી જ સ્ટેશન પર ભીડ એકઠી થવા લાગી હતી. લગભગ ત્રણ હજાર મુસાફરો ઉધના સ્ટેશને પહોંચ્યા હતા. આ ટ્રેનમાં ભીડ એટલી હતી કે આખી ટ્રેન ખીચોખીચ ભરાઈ ગઈ હતી અને પ્રવેશવાની કોઈ જગ્યા નહોતી, જેના કારણે આ ટ્રેનમાં સવાર મુસાફરોએ ગેટ બંધ કરી દીધા હતા. જેથી કરીને અન્ય મુસાફરો બળજબરીથી પ્રવેશ ન કરે. આ દરમિયાન 400 થી 500 મુસાફરો હતા જેઓ આ ટ્રેનમાં મુસાફરી કરી શક્યા ન હતા અને પરત ફરવું પડ્યું હતું.