અમદાવાદઃ પશ્વિમ રેલવે દ્વારા ટ્રેનોની ઝડપ વધારવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અને તે માટે ટેકનોલોજીથી લઈને જરૂર પડ્યે ટ્રેકને પણ બદલવામાં આવે છે. અમદાવાદથી દિલ્હી સુધીના લગભગ 934 કિમી લાંબા રૂટ પર ઈલેક્ટ્રિફિકેશનની કામગીરી પૂર્ણ કરાતાં અમદાવાદ-દિલ્હી રાજધાની એક્સપ્રેસ અને ઋષિકેશ જતી યોગનગરી એક્સપ્રેસ ટ્રેનોને ઈલેક્ટ્રિક એન્જિનથી દોડાવાની શરૂઆત કરી છે. આગામી દિવસોમાં અમદાવાદથી દિલ્હી તરફ જતી અન્ય ટ્રેનોને પણ ઈલેક્ટ્રિક એન્જિન સાથે દોડાવાનું શરૂ કરાતા ટ્રેનોના સમયમાં પણ ફેરફાર થઇ શકે છે, જેથી પેસેન્જરોનો 1-2 કલાકનો સમય બચે તેવી શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પશ્વિમ રેલવેએ અમદાવાદ-દિલ્હી રૂટ પર ટ્રેક ડબલિંગની સાથે ઈલેક્ટ્રિફિકેશનની કામગીરી શરૂ કરી હતી. જેમાં પાલનપુરથી દિલ્હી સુધી અને અમદાવાદથી મહેસાણા સુધી ટ્રેક ડબલિંગની સાથે ઈલેક્ટ્રિફિકેશનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જોકે ટેકનિકલ કારણોથી મહેસાણાથી પાલનપુર સુધીના લગભગ 65 કિમીના રૂટ પર ટ્રેક ડબલિંગની કામગીરી બાકી રહી ગઈ છે. તેમ છતાં રેલવે દ્વારા પેસેન્જરોની સુવિધાને ધ્યાનમાં રાખી અમદાવાદથી મહેસાણા સુધી અને ત્યારબાદ પાલનપુરથી દિલ્હી સુધીના બન્ને ટ્રેક પર ટ્રેનોનું સંચાલન શરૂ કરી દીધું છે. મહેસાણાથી પાલનપુર વચ્ચેની કામગીરી પણ માર્ચ 2022 સુધીમાં પૂર્ણ થાય તે ગણતરી સાથે અમદાવાદથી દિલ્હી સુધીના રૂટ પરની ટ્રેનો ઈલેક્ટ્રિક એન્જીનથી દોડાવાનો નિર્ણય કર્યો છે. પ્રવાસીઓ ઝડપથી પહોંચી શકે તે માટે સુપર ફાસ્ટ ટ્રેનોમાં ઝડપ વધારવામાં પણ આવી રહી છે. હાલ અમદાવાદ-દિલ્હી વચ્ચે રાજધાની ટ્રેનમાં ઈલેક્ટ્રિક એન્જિન લાગવવામાં આવ્યું છે. તેના લીધે ટ્રેનની ઝડપ વધી છે.