અમદાવાદઃ હોળી અને ધૂળેટીના પર્વનું રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર ભારતના રાજ્યોમાં અનેરૂ મહત્વ હોવાથી ગુજરાતમાં વસવાટ કરતાં પરપ્રાતના લોકો તેમના માદરે વતનમાં હોળી અને ધૂળેટીના પર્વને મનાવવા માટે દર વર્ષે જતાં હોય છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં પરપ્રાંતના લોકો ઉત્તર ભારતના રાજ્યોમાં પોતાના માદરે વતન જતા હોવાથી રેલવે દ્વારા ખાસ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. હોળી પર્વ પર મુસાફરોની માંગને પહોંચી વળવા માટે રેલવે દ્વારા રેગ્યુલર ટ્રેન ઉપરાંત સ્પેશ્યલ ટ્રેનો પણ દોડવવામાં આવી રહી છે. મુસાફરોના ધસારાને ઘટાડવા માટે બાંદ્રા ટર્મિનસથી બરૌની, અજમેર અને ગોરખપુર સુધી વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે
સૂત્રોના જણાવ્યા મુજબ રેલવે દ્વારા સ્પેશ્યલ ટ્રેનોના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે.બાંદ્રા-બરૌની એક્સપ્રેસનું સ્લીપર ભાડું રૂ. 1005, થર્ડ એસીનું ભાડું રૂ. 2530 અને સેકન્ડ એસીનું ભાડું રૂ. 3560 છે. તેવી જ રીતે બાંદ્રા-ગોરખપુર સ્પેશિયલ ટ્રેનનું ભાડું પણ બમણું થઈ ગયું છે. અન્ય ટ્રેનો પણ હોળી પર પેક થઇ ગઈ છે. તહેવારને લીધે સુરતથી ચાલતી અન્ય નિયમિત ટ્રેનો હવે 17 માર્ચ સુધી પેક છે. તાપ્તી- ગંગા ટ્રેન કેન્સલ હોવાને લીધે અને સ્પેશિયલ ટ્રેનનું ભાડું બમણું થઈ જતાં તેમજ નિયમિત ટ્રેનો ભરાઈ જવાના કારણે મુસાફરો પરેશાન થઈ ગયા હતા. તેમને કોઈ વિકલ્પ પણ ન મળતાં મુસાફરોએ ખાનગી ટ્રાવેલ્સનો સંપર્ક કરીને હોળી પહેલા યુપીના પ્રયાગરાજ, કાનપુર, ઝાંસી અને ગોરખપુર જવા માટે ખાનગી બસોમાં રવાના થયા હતા. તાપ્તી ગંગા એક્સપ્રેસ 9 માર્ચથી 15 માર્ચ સુધી રદ કરવામાં આવી હતી. જેના કારણે રેલવેએ કુલ 30 હજાર મુસાફરોને 1.5 કરોડ રૂપિયાનું રિફંડ પરત કરવું પડશે.બીજી બાજુ રેલવેએ મુસાફરોને રાહત આપવા માટે બરૌની અને ગોરખપુર માટે બે હોળી સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની જાહેરાત પણ કરી છે પરંતુ તેનું ભાડુ તાપ્તિ ગંગાની સરખામણીમાં ડબલ હતું. (file photo)