Site icon Revoi.in

ઉનાળાના વેકેશનને લીધે ટ્રેનો હાઉસફુલ, કાળુપુર સ્ટેશન પર રોજ એક લાખ પ્રવાસીઓનો ધસારો

Social Share

અમદાવાદઃ ઉનાળાના વેકેશનને લીધે ઘણાબધા લોકો પોતાના માદરે વતન કે ફરવા માટે જતાં હોવાને લીધે ટ્રેનોના ટ્રાફિકમાં વધારો થયો છે. તમામ ટ્રેનોમાં વેઇટિંગ ચાલી રહ્યું છે. પ્રવાસીઓને  કન્ફર્મ ટીકીટ ન મળતા છેલ્લી ઘડીએ પ્રવાસ કેન્સલ કરવાની અથવા તો પેનલ્ટી ચૂકવીને મુસાફરી કરવી પડી રહી છે.. ચારધામ યાત્રામાં પણ જવા મોટી સંખ્યામાં લોકો ટ્રેનની મુસાફરી કરી રહ્યા છે. હાલ ઉત્તર ભારત જતી તમામ ટ્રેનોમાં લાબું વેઈટિંગલિસ્ટ ચાલી રહ્યું છે. અમદાવાદનું કાળુપુર રેલવે સ્ટેશન 24 કલાક મુસાફરોથી ધમધમતુ બની ગયું છે. હાલ રોજ એક લાખથી વધુ પ્રવાસીઓનું આવાગમન થઈ રહ્યું છે.

અમદાવાદથી ઉત્તર ભારત જવા ઉપડતી તમામ ટ્રેનો પ્રવાસીઓથી ચીક્કાર દોડી રહી છે. જ્યારે દક્ષિણ ભારત જતી ટ્રેનોમાં પણ સારીએવી ભીડ જોવા મળી રહી છે. સામાન્ય દિવસોમાં અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર દૈનિક 60-70 હજાર મુસાફરો અવરજવર કરે છે. પણ વેકેશનને કારણે હાલ દૈનિક 1 લાખ લોકો મુસાફરી કરી રહ્યા છે. મોટા ભાગના લોકોને કફર્મ ટીકીટ ન મળતા સેકન્ડ સીટિંગ એટલે કે જનરલ કોચમાં મુસાફરી કરવી પડી રહી છે.  વળી, કોરોના પહેલા જનરલ કોચમાં મુસાફરી માટે સ્ટેશનેથી ટીકીટ લઇને મુસાફરી થઈ શકાતી હતી પણ હાલ ફરજીયાત રિઝર્વેશન લાગુ કરવાને કારણે લોકોએ પરેશાન થવું પડી રહ્યું છે. જો કે બીજી તરફ રિઝર્વેશન માટે આવતા લોકો માટે રેલવે પ્રશાશન દ્વારા સારી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અહીં તત્કાલ રિઝર્વેશન માટે અલગથી સમય ફાળવી ટોકન અપાઈ રહ્યા છે. જેથી ગરમીમાં લોકોની ભીડ થવાની મુશ્કેલી ઉભી ન થાય. રેલવેના PRO નું પણ કહેવું છે કે હાલ તમામ ટ્રેનોમાં વેઇટિંગ ચાલી રહ્યું છે. લોકોની ભીડ જોઈ ચાર ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવ્યા છે. આ સાથે ઉત્તર ભારત જનારી 4 સ્પેશિયલ ટ્રેન પણ શરુ કરવામાં આવી છે.