ભાવનગરઃ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોકકુમાર કંસલે ભાવનગરની મુલાકાત દરમિયાન જણાવ્યુ હતુકે, બોટાદ-અમદાવાદ ગેજ કન્વર્ઝનનું કામ ડિસેમ્બર-2021 પહેલા પૂર્ણ થઇ જશે અને તેનો સીધો લાભ ભાવનગરને મળશે. ભાવનગર રેલવે ડિવિઝનના ઇન્સપેક્શન માટે આવી પહોંચેલા આલોકકુમાર કંસલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યુ હતુકે, બોટાદ-અમદાવાદ ગેજ કન્વર્ઝનનું કામ પૂર્ણ થઇ ગયા બાદ અંતર ઓછું થઇ જશે અને તેના કારણે કિંમતી ઇંધણની મોટી બચત થશે, આ બચેલા નાણાનો અન્યત્ર વિકાસના કામોમાં ઉપયોગ થઇ શકશે. ડિસેમ્બરથી અમદાવાદ-બોટાદ બ્રોડગેજ લાઈન પર ટ્રેનો દેડતી થઈ જશે.
ભાવનગર રેલવે હોસ્પિટલમાં 500 લીટરનો ઓક્સિજન પ્લાન્ટ કાર્યાન્વિત કરવામાં આવ્યો છે, જેના કારણે દર્દીઓની સારવારની સવલતમાં વધારો થયો છે. કોરોના કાળ દરમિયાન ભાવનગર રેલવે દ્વારા પોતાનું હોસ્પિટલ સામાન્ય નાગરિકોની સારવાર માટે પણ સંબંધિત સરકારી વિભાગોને સુપરત કર્યુ હતુ. ઉપરાંત રેલવેની જગ્યાઓ, વસાહતોમાં હરિયાળી વધારવાની દિશામાં પણ મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે. પશ્વિમ રેલવેમાં 5000 કિ.મી. પૈકી 3900 કિ.મી.નું ઇલેકટ્રિફિકેશન કામ પૂર્ણ થઇ ચૂક્યુ છે, અને બાકીની કામગીરી પણ બે વર્ષમાં પૂર્ણ કરવાની રેલવેની ધારણા હોવાનું જનરલ મેનેજરે ઉમેર્યુ હતુ. આ તબક્કે ડીઆરયુસીસી મેમ્બરો દ્વારા ભાવનગર-અધેળાઇ-ધોલેરા સર-ભરૂચ રેલવે યોજના અંગે વર્ષ 2018ના બજેટમાં ઘોષણા કરવામાં આવી હતી તેનું કાર્ય શરૂ કરાવવા, ભાવનગર-સુરત, મુંબઇ, લાંબા અંતરની ટ્રેનો શરૂ કરાવવા, ઢસા-જેતલસર ગેજ કન્વર્ઝનની કામગીરી ઝડપી બનાવવા કિશોર ભટ્ટે રજૂઆતો કરી હતી.