2022-23માં UPI દ્વારા ટ્રાન્ઝેક્શન્સ 139 લાખ કરોડ રૂપિયાને પાર,ગામડાઓએ ચૂકવણીમાં શહેરોને પાછળ છોડયા
દિલ્હી : 2022-23માં UPI દ્વારા ટ્રાન્ઝેક્શન્સ 139 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડને પાર કરી ગયા છે. 2016માં UPI દ્વારા માત્ર રૂ. 6,947 કરોડના વ્યવહારો થયા હતા. સંખ્યાની દ્રષ્ટિએ આ સમયગાળા દરમિયાન UPI- વ્યવહારો 1.8 કરોડથી વધીને 8,375 કરોડ થયા છે. ખાસ વાત એ છે કે ગામડાઓએ UPI પેમેન્ટમાં શહેરોને પાછળ છોડી દીધા છે.
રિપોર્ટ અનુસાર, 2015-16માં જીડીપીની સરખામણીમાં ડિજિટલ પેમેન્ટ 668 ટકા હતું, જે હવે 767 ટકા પર પહોંચી ગયું છે. RTGS સિવાય છૂટક ડિજિટલ ચૂકવણી 129 ટકાથી વધીને 242 ટકા થઈ છે. બીજી બાજુ, 2022-23માં મૂલ્યની દ્રષ્ટિએ, UPI ચૂકવણીમાં ગામડાઓનો હિસ્સો વધીને 25 ટકા થયો, જ્યારે શહેરોનો હિસ્સો 20 ટકા રહ્યો.
રિટેલમાં UPIનું મૂલ્ય વધીને 83 ટકા થયું છે. એટીએમમાંથી પૈસા ઉપાડવાનું પ્રમાણ ઘટીને 17 ટકા થઈ ગયું છે. ATMમાંથી કુલ ટ્રાન્ઝેક્શન (ડેબિટ કાર્ડ) રૂ. 30-35 લાખ કરોડ થયા છે. 2017માં એટીએમ ટ્રાન્ઝેક્શન નોમિનલ જીડીપીના 15.4 ટકા હતા, જે હવે ઘટીને 12.1 ટકા થઈ ગયા છે.
SBIએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે RBIના 2000ની નોટ પાછી ખેંચવાના નિર્ણયની અર્થવ્યવસ્થા પર કોઈ અસર નહીં થાય. જો કે, આ બેંકોને લિક્વિડિટી મોરચે મદદ કરશે. રિપોર્ટમાં એવી ધારણા છે કે નોટો ઉપાડવાથી સિસ્ટમમાં લગભગ 3 લાખ કરોડ રૂપિયા પાછા આવશે, જ્યારે બેંકોની કરન્સી ચેસ્ટમાં પહેલેથી જ 60 હજાર કરોડ રૂપિયાથી વધુ છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પહેલા લોકો પૈસા ઉપાડવા માટે વર્ષમાં સરેરાશ 16 વખત એટીએમની મુલાકાત લેતા હતા. હવે આ સંખ્યા ઘટીને 8 ગણી થઈ ગઈ છે. સતત ડિજિટલ પેમેન્ટને કારણે એટીએમમાંથી રોકડ ઉપાડવામાં ઘટાડો થયો છે. હાલમાં દેશમાં 2.5 લાખ ATM છે.