અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કપરા કાળમાં વહિવટી તંત્રને વેગવતું બનાવવા નવ જેટલા આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં રાજ્યના બે IAS અધિકારીઓની સાબરકાંઠા તથા ડાંગ જિલ્લામાં કલેક્ટર તરીકેની નિમણૂંક કરાઈ છે. જ્યારે 7 IAS અધિકારીઓને DDO તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આમ કુલ 9 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
રાજ્યમાં ઘણા સમયથી સનદી અધિકારીઓની બદલીની ચર્ચા ચાલી રહી હતી. જેમાં આજે નવ સનદી અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં સાબરકાંઠા અને ડાંગના કલેક્ટરની બદલી કરવામાં આવી છે જ્યારે 7 IAS અધિકારીઓની વિવિધ જિલ્લાઓમાં DDOની જવાબદારી સોંપવામાં આવી છે. સાબરકાંઠા-હિંમતનગરના કલેકટરની વધારાની જવાબદારી અત્યાર સુધી ડૉ. રાજેન્દ્રકુમાર પટેલ નિભાવી રહ્યા હતા. હવે તેમના સ્થાને કલેકટર તરીકે એચ.કે કોયા જવાબદારી સંભાળશે. IAS એચ.કે કોયા હાલમાં સુરતમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ નિભાવી રહ્યા હતા. આવી જ રીતે IAS એ.એમ શર્માને ડાંગ-આહવા જિલ્લાના કલેટર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. હાલમાં હરજીભાઈ કે. વઢવાણિયા તેનો એડિશનલ ચાર્જ સંભાળી રહ્યા હતા. જ્યારે ખેડાના જિલ્લા વિકાસ અધિકારી ડી એસ ગઢવીને સુરત ડીડીઓ તરીકે,તથા ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના જોઈન્ટ એમડી કે એલ બચાનીની બદલી ખેડાના ડીડીઓ તરીકે કરવામાં આવી છે. તેમજ એડિશનલ રૂરલ કમિશ્નર ડી ડી કાપડિયાની બદલી તાપી જિલ્લાના ડીડીઓ તરીકે તથા ગુજરાત પબ્લીક સર્વિસ કમિશનના સેક્રેટરી કે ડી લાખાણીની બદલી મહિસાગર જિલ્લાના ડીડીઓ તરીકે કરવામાં આવી છે.