દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં સીઆરસીએસ-સહારા રિફંડ પોર્ટલ મારફતે સહારા ગ્રૂપ ઑફ કોઓપરેટિવ સોસાયટીઝના ખરા થાપણદારોને ભંડોળનાં હસ્તાંતરણનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય સહકારિતા રાજ્યમંત્રી બી.એલ.વર્મા, સુપ્રીમ કૉર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ આર. સુભાષ રેડ્ડી, સહકારિતા મંત્રાલયના સચિવ જ્ઞાનેશ કુમાર, રિફંડ પ્રક્રિયામાં મદદ કરવા માટે નિયુક્ત ચાર વરિષ્ઠ અધિકારીઓ ઓન સ્પેશ્યલ ડ્યુટી (ઓએસડી) અને રિફંડ મેળવનારા કેટલાક થાપણદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.
પોતાનાં સંબોધનમાં અમિત શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારત સરકાર દેશના દરેક ગરીબ અને મધ્યમ વર્ગની વ્યક્તિના અધિકારોનું રક્ષણ કરવા તથા સમાજના સૌથી ગરીબ અને વંચિત વર્ગની સમસ્યાઓનું સમાધાન કરવા કટિબદ્ધ છે. સહકારિતા મંત્રાલયે આજે આ દિશામાં મોટી સફળતા હાંસલ કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, તમામ એજન્સીઓએ થાપણદારોનાં જમા થયેલાં નાણાં રેકોર્ડ સમયમાં પરત મેળવવા માટે સરાહનીય કામગીરી કરી છે, આ સાથે થાપણદારોને તેમનાં નાણાં પરત મળી રહ્યાં છે. 18 જુલાઈ 2023ના રોજ સીઆરસીએસ-સહારા રિફંડ પોર્ટલનાં લોકાર્પણ સમયે પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવ્યાના 45 દિવસની અંદર અસલી થાપણદારોને રકમ ચૂકવવામાં આવશે તેવી જાણકારી આપવામાં આવી હતી, પરંતુ સુપ્રીમ કૉર્ટ દ્વારા રચાયેલી સમિતિ અને ભારત સરકારની તમામ એજન્સીઓએ સાથે મળીને કામ કરતા રેકોર્ડ સમયમાં પ્રશંસનીય કામગીરી કરી છે. એક મહિના કરતા પણ ઓછા સમયમાં ભંડોળનાં હસ્તાંતરણની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેનાં કારણે પ્રત્યેક 112 લાભાર્થીઓનાં બૅન્ક ખાતામાં 10,000 રૂપિયા જમા થઈ રહ્યા છે. શાહે જણાવ્યું હતું કે, સહકારિતા મંત્રાલયની આ પહેલથી કરોડો રોકાણકારોનાં મનમાં સંતોષ અને વિશ્વાસ પેદા થયો છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અને સહકારિતા પ્રધાને જણાવ્યું હતું કે સહકારિતા મંત્રાલયની રચના સમયે, મંત્રાલય સમક્ષ સહકારી માળખાને ફરીથી મજબૂત કરવાનું કાર્ય, લગભગ 75 વર્ષ પહેલાં કરવામાં આવેલા સહકારી કાયદાઓમાં સમયસર ફેરફારો કરવા અને લોકોમાં સહકારી સંસ્થાઓમાં ખોવાયેલા વિશ્વાસને ફરીથી સ્થાપિત કરવા જેવા વિવિધ પડકારો હતા. આ તમામ પડકારોને ઉકેલવા માટે સહકારિતા મંત્રાલયે કામ કર્યું છે. સહારા ગ્રૂપની ચાર સહકારી મંડળીઓમાં છેલ્લાં લગભગ 15 વર્ષથી અટવાયેલા કરોડો રૂપિયા પરત કરવા માટે દેશના કરોડો રોકાણકારોને મદદ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. શાહે જણાવ્યું હતું કે, સીઆરસીએસ-સહારા રિફંડ પોર્ટલ પર આશરે 33 લાખ રોકાણકારોની નોંધણી થઈ છે.
અમિત શાહે જણાવ્યું હતું કે, આશરે એક વર્ષ અગાઉ સહકારિતા મંત્રાલયે સહારા ગ્રૂપની ચાર સહકારી મંડળીઓમાં ફસાયેલાં રોકાણકારોનાં નાણાં પરત કરવાં શ્રેણીબદ્ધ બેઠકો શરૂ કરી હતી. તમામ હિતધારકોને સાથે લાવીને સહકારિતા મંત્રાલયે તમામ વિભાગો સાથે મળીને સુપ્રીમ કૉર્ટમાં અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કૉર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા જણાવ્યું હતું કે સુપ્રીમ કૉર્ટના પૂર્વ જજની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવશે અને અસલી થાપણદારોને રિફંડની પ્રક્રિયા પારદર્શી રીતે કરવામાં આવશે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, આજે 10,000 રૂપિયાની રકમ ધરાવતા 112 રોકાણકારોને ચુકવણી કરવામાં આવી રહી છે કારણ કે પરત કરવાની રકમ પર નાના રોકાણકારોને પ્રથમ અધિકાર છે. પરંતુ આવનારા સમયમાં તમામ રોકાણકારોને પોતાના પૈસા ચોક્કસ પરત મળી જશે. તેમણે કહ્યું કે ઑડિટ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવાથી ચુકવણીનો આગામી હપતો જારી થવામાં આનાથી પણ ઓછો સમય લાગશે. શાહે જણાવ્યું હતું કે, દેશના દરેક નાગરિકની થાપણોને સુરક્ષિત કરવાની અને બંધારણ હેઠળ કાયદો ઘડવાના અધિકારોનો ઉપયોગ કરીને તેમની અટકેલી થાપણો પરત કરવાની જવાબદારી દેશની સરકાર અને વહીવટીતંત્રની છે. શાહે સહારા જૂથની સહકારી મંડળીઓના રોકાણકારોને ખાતરી આપી હતી કે, મોદી સરકાર તેમની સખત મહેનતની એક-એક રકમ પરત કરાવવા સતત પ્રયાસરત છે. અમિત શાહે સુપ્રીમ કૉર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ આર. સુભાષ રેડ્ડી, સહકારિતા મંત્રાલયના સચિવ જ્ઞાનેશ કુમાર, વિશેષ સચિવ વિજય કુમાર તથા સહકારિતા મંત્રાલયના અધિકારીઓ અને તમામ સંબંધિત સંસ્થાઓનો રેકોર્ડ સમયમાં ભંડોળનાં હસ્તાંતરણની પ્રક્રિયા શરૂ કરવા બદલ આભાર માન્યો હતો. સહારા ગ્રૂપના થાપણદારોએ તેમનાં નાણાં પરત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ તથા કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહનાં માર્ગદર્શન હેઠળ સહકારિતા મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયાસો બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
આજે પ્રથમ તબક્કામાં સહારા ગ્રૂપની સહકારી મંડળીઓના 112 થાપણદારોને તેમના આધાર સાથે જોડાયેલાં બૅન્ક ખાતાઓ દ્વારા પ્રત્યેકને રૂ.10,000 ચૂકવાયા હતા. પ્રથમ તબક્કાનાં વિશ્લેષણના આધારે, ઑડિટર દ્વારા દાવાઓની ચકાસણી માટે એમિકસ ક્યુરિની મદદથી “એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર)” તૈયાર કરવામાં આવી રહી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે 18 જુલાઈ, 2023ના રોજ સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઑફ કો-ઓપરેટિવ સોસાયટીઝ (સીઆરસીએસ)-સહારા રિફંડ પોર્ટલ https://mocrefund.crcs.gov.in લૉન્ચ કર્યું હતું. આ પોર્ટલ સહારા ગ્રૂપની કો-ઓપરેટિવ સોસાયટીઝ – સહારા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ, સહારાયાન યુનિવર્સલ મલ્ટિપર્પઝ સોસાયટી લિમિટેડ, હમારા ઇન્ડિયા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ અને સ્ટાર્સ મલ્ટિપર્પઝ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડના અસલી થાપણદારો દ્વારા દાવા રજૂ કરવા માટે વિકસાવવામાં આવ્યું છે. માનનીય સર્વોચ્ચ અદાલતે 29 માર્ચ, 2023ના રોજ પોતાના આદેશ દ્વારા નિર્દેશ આપ્યો હતો કે સહારા જૂથ ઓફ કો-ઓપરેટિવ સોસાયટીઝના અસલી થાપણદારોની કાયદેસરની બાકી નીકળતી રકમ સામે વિતરણ માટે સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઑફ કો-ઓપરેટિવ સોસાયટીઝ (સીઆરસીએસ)ને “સહારા-સેબી રિફંડ એકાઉન્ટ”માંથી રૂ. 5000 કરોડ હસ્તાંતરિત કરવામાં આવે. માનનીય સર્વોચ્ચ ન્યાયાલયના નિર્દેશો અનુસાર એમિકસ ક્યુરી એવા વિદ્વાન એડવોકેટ શ્રી ગૌરવ અગ્રવાલની સહાયથી માનનીય સર્વોચ્ચ ન્યાયાલયના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી દ્વારા વિતરણની સમગ્ર પ્રક્રિયા પર નિરીક્ષણ અને દેખરેખ રાખવામાં આવી રહી છે. રિફંડ પ્રક્રિયામાં મદદ કરવા માટે ઉપરોક્ત દરેક સોસાયટી માટે ચાર વરિષ્ઠ ઑફિસર્સ ઓન સ્પેશ્યલ ડ્યુટી (ઓએસડી)ની નિમણૂક કરવામાં આવી છે.
દાવાઓ રજૂ કરવા માટે વિકસાવવામાં આવેલું ઓનલાઇન પોર્ટલ વપરાશકર્તાને અનુકૂળ, કાર્યદક્ષ અને પારદર્શક છે. આ સમગ્ર પ્રક્રિયા ડિજિટલ છે. અસલી થાપણદારોની કાયદેસરની થાપણો જ પરત કરવામાં આવે છે તેની ખાતરી કરવા માટે પોર્ટલમાં જરૂરી તપાસ અને સંતુલનનો સમાવેશ કરવામાં આવ્યો છે. પોર્ટલને સહકારિતા મંત્રાલયની વેબસાઇટ દ્વારા પણ એક્સેસ કરી શકાય છે. આ સોસાયટીઓના અસલી થાપણદારોએ પોર્ટલ પર ઉપલબ્ધ ઓનલાઇન અરજી ફોર્મ ભરીને અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને તેમના દાવા સબમિટ કરવાના રહેશે. થાપણદારોની ઓળખ સુનિશ્ચિત કરવા માટે આધારકાર્ડ દ્વારા ચકાસણી કરવામાં આવશે. નિયુક્ત સોસાયટી ઑડિટર્સ અને ઓએસડી દ્વારા તેમના દાવાઓ અને અપલોડ કરેલા દસ્તાવેજોની ચકાસણી કર્યા પછી, સાચા થાપણદારોને તેમના ઓનલાઇન દાવાઓ ફાઇલ કર્યા પછી 45 દિવસની અંદર તેમનાં બૅન્ક ખાતામાં ચુકવણી જમા કરવામાં આવશે, જે ભંડોળની ઉપલબ્ધતાને આધિન છે અને તેમને એસએમએસ/પોર્ટલ દ્વારા સ્થિતિની જાણ કરવામાં આવશે. સોસાયટીઓના અસલી થાપણદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમના દાવા અને થાપણોના પુરાવા તરીકે જરૂરી દસ્તાવેજો સાથે આધાર લિંક કરેલ મોબાઇલ નંબર અને બૅન્ક એકાઉન્ટ ધરાવે છે કે નહીં તે સુનિશ્ચિત કરે.