Site icon Revoi.in

ગાંધીનગર આરટીઓ કચેરીની ટ્રાન્સપોર્ટ કમિશનરે લીધી ઓચિંતી મુલાકાત, જરૂરી સુચનો કર્યા

Social Share

ગાંધીનગરઃ શહેરની આરટીઓ કચેરીની નવ નિયુક્ત ટ્રાન્સપોર્ટ કમિશનર અનુપમ આનંદે ઓચિંતી મુલાકાત લઈને કચેરીમાં ચાલતી કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું. તેમણે  ટેકનિકલ ખામીના કારણે બંધ પડી જતાં ટેસ્ટ ટ્રેક બાબતે પણ કચેરીના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. જાતે ટ્રેક પર જઈને યોગ્ય રીતે ટેસ્ટ લેવામાં આવે છે કે કેમ તેની તપાસ કરી હતી. અને આરટીઓના કામ માટે આવતા અરજદારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી સુચના આપી હતી.

ગુજરાતમાં તાજેતરમાં આઈએએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી જેમાં ટ્રાન્સપોર્ટ કમિશનર તરીકે સિનિયર આઈએએસ અનુપમ આનંદને ફરજ સોંપવામાં આવી છે ત્યારે પ્રથમ વખત કમિશનરે ગાંધીનગર આરટીઓ કચેરી ખાતે સરપ્રાઈઝ વિઝિટ લીધી હતી. અચાનક જ કમિશનર આરટીઓ કચેરી ખાતે આવી પહોંચતા અધિકારીઓ અને કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. કમિશનર અનુપમ આનંદે આરટીઓના દરેક ટેબલ અને તેની કામગીરી વિશે જાણકારી મેળવીને અરજદારોના કામ સત્વરે પૂર્ણ કરવામાં આવે છે કે નહીં તેની ખરાઈ કરી હતી. ટેકનિકલ ખામીના કારણે બંધ પડી જતાં ટેસ્ટ ટ્રેક બાબતે પણ તેમણે કચેરીના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. જાતે ટ્રેક પર જઈને યોગ્ય રીતે ટેસ્ટ લેવામાં આવે છે કે કેમ તેની તપાસ કરી હતી. આરટીઓ કચેરીમાં સ્વચ્છતા રાખવા માટે તેમણે ભારપૂર્વક સુચના આપી હતી.

આ ઉપરાંત વર્ષો જૂની કોમ્પ્યુટર સિસ્ટમને ધક્કા મારીને કામ કરતાં કર્મચારીઓની રજૂઆતને ધ્યાને લઈને સ્થળ પર જ વડી કચેરીના ઓએસડીને નવી સિસ્ટમ પૂરી પાડવા માટેના આદેશ કર્યાં હતાં. સરપ્રાઈઝ વિઝિટ થવાને કારણે આરટીઓ ગાંધીનગરના તમામ ઈન્સ્પેક્ટરોને ફોર્મલ કપડાં બદલીને વર્ધીમાં રહેવાની ફરજ પડી હતી.