Site icon Revoi.in

ડીઝલના ભાવ વધારાથી સુરતના ટેક્સટાઇલ માર્કેટ સાથે સંકળાયેલા ટ્રાન્સપોટર્સ પણ મુશ્કેલીમાં

Social Share

સુરતઃ પેટ્રોલ-ડીઝલના સાતમા આસમાને પહોંચેલા ભાવ વધારાના કારણે ટેક્સટાઇલ માર્કેટ સાથે સંકળાયેલા ટ્રાન્સપોટર્સ પણ મુશ્કેલીમાં મુકાયા છે. અને બહારગામના ડીસ્પેચીંગનું કામકાજ ઘટ્યું છે. બીજી તરફ દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાએ વેપારીઓને ફરીથી મંદીનો માહોલ ઉભો થવાની સંભાવના વર્તાય રહી છે. દેશમાં અનેક રાજ્યોમાં હજુ પણ આંશિક લોકડાઉન અને કડક નિયંત્રણો હોવાના કારણે વેપારીઓને ઓર્ડર મળતા નથી. જેના પગલે કાપડના બહારગામના ઓર્ડરમાં મોટો ઘટાડો નોંધાયો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ પેટ્રોલ ડીઝલના બેફામ ભાવવધારાને કારણે નવા ઓર્ડર નહીં મળતા હોય કાપડના વેપારીઓ નવરાં બેઠા છે. જેની સીધી અસર આ ઉદ્યોગ સાથે સંકળાયેલા ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગ પર પડી છે. ઓર્ડર સાવ તળીયે હોય માંડ 20 ટકા ટ્રકો જ દોડી રહી છે. જેના લીધે આ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા એક લાખથી વધુ મજુરોને 3 મહિનાથી પુરતી મજુરી પણ મળી રહી નથી. સુરત ટેક્સટાઇલ ટ્રાન્સપોર્ટર્સ એસોસિએશનના સૂત્રોએ જણાવ્યુ હતું કે, પેટ્રોલ-ડિઝલના ભાવ રૂ. 100 લિટર પર પહોંચી ગયા છે. ડિસ્પેચીંગના ઓર્ડર ઓછા હોવાના લીધે ભાડું વધારી શકતા નથી. કાપડના વેપારી પાસે ઓર્ડર નથી. એક સમયે એક દિવસમાં 10 ટ્રક ભરી રવાના થતા તે હવે માંડ 1 થી 2 ટ્રક ભરી રવાના થાય છે. અઠવાડીયા સુધી ગોડાઉન અને હાઇવે પર ટ્રકો પડી રહે છે. કામ ઓછું અને ખર્ચ વધુ હોવાના લીધે ટેમ્પો, ટ્રકની લોનના હપ્તા, ગોડઉનનું ભાડું અને મજુરોના પગાર ચૂકવી શકાતા નથી. એક લાખ કારીગરોની સ્થિતિ કફોડી બની છે. ત્રીજી લહેરની ચિંતાએ બજારોને નિરસ બનાવી દીધા છે. જેના પગલે પરપ્રાંતિય રીટેલ માર્કેટના વેપારીઓ સુરતના વેપારીઓ પાસે માલ ખરીદી રહ્યા નથી. કામકાજ ઠંડા હોય મિલો પાસે કામ નથી.