ગુજરાતના હાઈવે પર નિયમ વિરૂદ્ધ લેવાતા ટોલટેક્સ સામે ટ્રાન્સપોર્ટર્સએ આપી આંદોલનની ચીમકી
અમદાવાદ : ગુજરાતના નેશનલ હાઈવે પર ટોલનાકાની સંખ્યા વધતી જાય છે. ટોલનાકાને લીધે ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘું બનતુ જાય છે. ટોલનાકા બની ગયા બાદ વર્ષો સુધી ટોલ ઉઘરાવવામાં આવતો હોય છે. હાઈવે ઓથોરિટી દ્વારા જ નિયમોનું પાલન કરાતું નથી. નેશનલ હાઇ-વે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવતાં માર્ગોમાં બોટ (બીઓટી) ધોરણે નિર્માણ થયું હશે તો તેનું નિર્માણ પૂરું થતાં સરકારને તે રોડ સોંપી દેવાશે ત્યારબાદ ફક્ત મેઈન્ટેનન્સ કરવાનું રહેશે અને તેનો અર્થ એ કે તે રોડ પર ફક્ત છેલ્લા લેવાતા ટોલટેક્સમાંથી 40 ટકા જ લેવામાં આવશે, છતાં પણ આજ સુધી તેનો અમલ નહીં થતાં અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશને દ્વારા આંદોલનનો માર્ગ અપનાવાશે.
અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે ગુજરાતમાં બરોડા-ભરૂચ, ભરૂચ-સુરત, સુરત દહીંસરના ચાર હાઇ-વે જે એક ઈન્ફાસ્ટ્રકચર કંપની અને આઈઆરબી દ્વારા બનાવવામાં આવ્યા હતાં તેની અવધિ 2022 અને 2021માં પૂર્ણ થઈ ગઈ હોવા છતાં પણ પૂરેપૂરો ટોલટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. એ વાજબી નથી. આમ બિલ્ટ ઓપરેટ અને ટ્રાન્સફરની શરત મુજબ સરકારને ટ્રાન્સફર કર્યા પછી પણ 40 ટકા જ ટોલટેક્સ વસૂલવાના નિયમનો ધરાર અનાદર થઈ રહ્યો છે. એટલું જ નહીં સરકારે થર્ડ લેનમાં ટ્રક જવી ન જોઈએ તેવું ઠરાવ્યું છે ત્યારે જો માર્ગો પરના ખાડાને કારણે થોડી પણ ટ્રક થર્ડ લેનમાં જાય તો તેને જેલભેગો કરી દેવામાં આવે છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે આ બાબતે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા કેન્દ્રને તથા રાજ્ય સરકારને વારંવાર રજુઆતો કરી હોવા છતાં ઉકેલ નહીં આવતાં દેશભરનાં ટ્રાન્સપોર્ટર્સ ચક્કાજામનો માર્ગ અપનાવશે. જેના અનુસંધાનમાં આગામી 10 ઓક્ટોબરના રોજ ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસની મુંબઈ ખાતે બેઠક મળશે. જેમાં આગળ કેવી રણનીતિ ઘડવી તે અંગે ચર્ચા કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે દેશભરમાં હાલમાં 85 લાખ જેટલી રજિસ્ટર્ડ ટ્રકો છે જેમાંથી ગુજરાતમાં 11 લાખ જેટલી ટ્રકો છે. આ ઉપરાંત એસોસિયેશન દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પણ પીઆઈએલ કરવામાં આવી છે જેની હજુ સુનાવણી થઈ નથી. આ સંજોગોમાં એસોસિયેશન દ્વારા ભવિષ્યમાં નક્કર પગલાંઓ લેવામાં આવે તેવી શક્યતા છે.