અમદાવાદમાં રખડતા ઢોરોનો ત્રાસઃ દરરોજ સરેરાશ 120 જેટલા ઢોરને પકડે છે AMC
અમદાવાદઃ હેરિટેજ સિટી અમદાવાદમાં રખડતા ઢોરોનો ઉપદ્રવ યથાવત રહ્યો છે. બીજી તરફ કોર્પોરેશન દ્વારા રસ્તા ઉપર અડીંગો જમાવનારા ઢોરેને પકડવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં પણ રખડતા ઢોરના મુદ્દે ચર્ચા થઈ હતી. એટલું જ રસ્તાના રિપેરીંગ સહિતના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી.
કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, ઝીરો અવર્સમાં માર્ગો અને રખડતા ઢોર અંગેની લંબાણપૂર્વકની ચર્ચા થઈ હતી. શહેરમાં રસ્તે રખડતા ઢોર પકડવાની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દરરોજ સરેરાશ 120થી 125 જેટલા રખડતા ઢોર પકડવામાં આવે છે. આ ઉપરાંત દશેરાથી હોટમિક્સ પ્લાન્ટ શરૂ થયાં બાદ 1.50 લાખ મેટ્રીક ટન માલનો વપરાશ થયો છે. હાલ કોર્પોરેશનના ત્રણ ઝોનમાં રીસફરેસના કામ ચાલી રહ્યાં છે.
આ ઉપરાંત જનમાર્ગ દ્વારા જનમિત્ર કોન્ટેક્ટ લેશ કાર્ડ શરૂ કરવામાં આવ્યાં છે. જેમાં માસિક પાસનું મૂલ્ય રૂ. 750 અને ત્રી-માસિક પાસની કિંમત રૂ. 2 હજાર નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત સિનિયર સિટીઝનને ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય કરાયો છે. સિનિયર સિટીઝન નાગરિકોને લગભગ 40 ટતા જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં મતદાર યાદી અનુસાર 100 ટકા રસીકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે બીજો ડોઝ લેવાનો બાકી હોય તેવા શહેરીજનોને પણ આગામી દિવસોમાં બીજો ડોઝ આપીને સંપૂર્ણ સુરક્ષિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
(Photo-File)