વાયબ્રન્ટના ટ્રાફિકને લીધે અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓને 3 કલાક વહેલા પહોંચવા સુચના
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં તા.10મી જાન્યુઆરીથી 12મી જાન્યુઆરી સુધી યોજાનાર વાયબ્રન્ટ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશ-વિદેશના મહાનુભાવો, જાણીતા ઉદ્યોગપતિઓ વગેરે ભાગ લેશે. તમામ મહાનુભાવોના વિમાન માર્ગે અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર પહોંચવાના હોવાથી એરપોર્ટ પર વીઆઇપીનો જમાવડો વધુ રહેશે, આથી સામાન્ય મુસાફરોને અગવડ ન પડે એ માટે અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં પ્રવાસીઓને એરપોર્ટ પર ત્રણ કલાક વહેલા પહોચવાની અપીલ કરવામાં આવી છે.
અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે તા. 9થી 12 જાન્યુઆરી દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર સામાન્ય કરતાં વધુ પ્રવાસીઓની અવરજવરની અપેક્ષા છે, જેથી પ્રવાસીઓને વિનંતી કરવામાં આવી છે કે સીમલેસ મુસાફરી માટે વધારાનો સમય ફાળવે, ફ્લાઇટના સમય કરતાં 3 કલાક પહેલાં એરપોર્ટ પહોચવું પ્રવાસીઓ માટે હિતાવહ રહેશે. આ ઉપરાંત એરપોર્ટ સુધી પહોંચવાના રસ્તા પર પણ વધુ ટ્રાફિક રહેવાની શક્યતા છે, જેથી સમય કરતાં વહેલા પહોંચવાની તૈયારીઓ રાખવી આવશ્યક છે.
અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર વીવીઆઈપી મહાનુભાવો પોતાના ચાર્ટર્ડ પ્લેનમાં આવશે. એરપોર્ટ પરના પ્લેન માટેના પાર્કિંગ બુક કરી દેવાયા છે. બે-ત્રણ દિવસ એરપોર્ટ પર વીવીઆપીઓનો જમાવડો રહેશે. ત્યારે પ્રવાસીઓને કોઈ તકલિફ ન પડે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ એરપોર્ટ પર 10 જાન્યુઆરીએ વહેલી સવારથી જ ચાર્ટર ફ્લાઇટ લેન્ડ થવાની શરૂઆત થશે, પાર્કિંગ માટેના બુકિંગ કરી દેવામાં આવ્યા છે. 10થી 12 જાન્યુઆરી, એટલે કે ત્રણ દિવસ દરમિયાન અમદાવાદમાં સૌથી વધુ ચાર્ટર ફ્લાઈટ આવે એવી શક્યતા છે. આ તમામ ચાર્ટર ફ્લાઇટને લઈ આવતા VVIP અમદાવાદના જીએ ટર્મિનલથી અવરજવર કરી શકે એ માટે એને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ એરપોર્ટ પર 40થી 50 ફ્લાઈટ રાખી શકાય એટલાં સ્ટેન્ડ છે, પરંતુ એનાથી વધારે ચાર્ટર ફ્લાઇટ આવે તો એને અમદાવાદથી નજીકના એરપોર્ટ પર ડાઇવર્ટ કરી શકાય છે, જેમાં વડોદરા, સુરત, રાજકોટ એરપોર્ટને ચાર્ટર ફ્લાઇટના પાર્કિંગ માટે અગાઉથી જાણ કરવામાં આવી છે. આ ઉપરાંત મુંબઈથી આવતી અનેક ચાર્ટર ફ્લાઈટ VIPને અમદાવાદ ખાતે પહોંચાડીને મુંબઈ પરત ફરતી હોય છે, પરંતુ દૂરથી આવતી ચાર્ટર ફ્લાઈટ અમદાવાદ સહિત અન્ય નજીકના એરપોર્ટ પર ડાઇવર્ટ કરવામાં આવે છે.