અમદાવાદઃ આદિજાતિ વિસ્તારમાં ખેતી ટકાઉ અને કમાઉ બને તે માટે સરકાર પ્રયાસો કરી રહી છે. આદિવાસી ખેડૂતો પાકની સાથે વિકાસના બીજ પણ વાવે તેવી નેમ વિજય રૂપાણીએ વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કૃષિ વૈવિધ્યકરણ યોજના 2021નો શુભારંભ કરતા જણાવ્યું કે, આ યોજનાનો લાભ ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધીના 14 આદિજાતિ જિલ્લાના 1.26 લાખથી વધારે વનબંધુ કિસાનોને મળશે. કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત આદિવાસી ખેડૂતોને 31 કરોડની ખાતર- બિયારણ સહાય મળશે જેમાં ખાતરમાં 45 કિલો ગ્રામ યુરીયા, 50 કિલોગ્રામ એન.પી.કે. અને 50 કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટની કીટ આપવામાં આવશે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, છેલ્લા દસ વર્ષમાં આ યોજના અન્વયે 10 લાખ આદિજાતિ ખેડૂતોને રૂપિયા 250 કરોડની સહાય આપવામાં આવી છે. આ યોજનામાં મકાઈ, કારેલા, દુધી, ટામેટા, રીંગણ, બાજરી, જેવા પાકના બિયારણ પણ આપવામાં આવે છે જેથી આદિવાસી ખેડૂતો વધારે આવક મેળવતા થયા છે.
આદિવાસી ખેડૂત તેમના બાવડાના જોરે ખેતી કરી શકે અને પાણી વિહોણો ન રહે તે માટે રાજ્ય સરકારે આદિજાતિ જિલ્લાના ડુંગરાળ પ્રદેશોમાં લિફ્ટ ઇરિગેશનની વિવિધ યોજનાઓ થકી ઊંચાઈ પર સિંચાઈના પાણી પહોંચાડવાના ભગીરથ કાર્યો હાથ ધર્યા છે.
તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકારે છેલ્લા ચાર વર્ષમાં આદિજાતિ વિસ્તારોમાં કુલ રૂપિયા 6600 કરોડની વિવિધ સિંચાઈ યોજનાને મંજૂરી આપી છે જેના નિર્માણ કાર્યો ચાલી રહ્યા છે. આના થકી આદિજાતિ વિસ્તારની 5.45 લાખ એકર જમીનને સિંચાઈ સુવિધા મળશે.
રાજ્યમાં પ્રકૃતિ અને પર્યાવરણ પ્રિય ખેતી થાય તેવા પ્રયાસો પણ સરકાર કરતી આવી છે. આથી જ ડાંગ જિલ્લાને સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ સંપન્ન જિલ્લો બનાવવા સરકારે યોજના બનાવી છે.
સરકારે પૈસા એક્ટનો અમલ કરી આદિવાસીઓને જમીન માલિક બનાવ્યા છે. જેમાં એકલવ્ય મોડેલ સ્કુલ થકી લાખો આદિજાતિના બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે.