ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા આદિવાસી સમાજના વિકાસ માટે બજેટમાં કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે. પરંતુ સરકારના આદિજાતિ વિકાસ વિભાગના અધિકારીઓની આળસ અને નબળી કામગીરીને કારણે યોજનાનો લાભથી વંચિત રહેવું પડે છે. સરકાર દ્વારા આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે. પણ તંત્રની લાપરવાહીને કારણે છેલ્લા દોઢ વર્ષથી સ્કોલરશીપ ન મળતા ગરીબ આદિવાસી પરિવારના વિદ્યાર્થીઓ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે તે હેતુસર કોર્સ મુજબ સ્કોલરશીપ આપીને આર્થિક સહાય પૂરી પાડવામાં આવતી હોય છે. જે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ પણ લાગું કરવામાં આવી છે. પરંતુ કરોડો રૂપિયાની ગ્રાન્ટ સમયસર વિદ્યાર્થીઓને ન મળવાને કારણે આદિવાસી વિદ્યાર્થીઓને આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
આ બાબતે ડિપ્લોમા સેલ ફાયનાન્સ કોલેજના પ્રમુખ જિતેન્દ્ર ઉપાધ્યાયે ગુજરાત આદિજાતી વિકાસ કોર્પોરેશનના અઘિકારીઓ પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, અધિકારીઓની કામગીરી નબળી હોવાના કારણે આદિવાસી વિદ્યાર્થીઓનું ભાવી અંધકારીમય બન્યું છે. વિદ્યાર્થીઓએ વિવિધ કોર્સમાં પ્રવેશ મેળવ્યાના દોઢ વર્ષ પછી પણ સ્કોલરશીપ પૂરી પાડવામાં ના આવતાં કેટલાંક વિદ્યાર્થીઓને અભ્યાસ છોડવા સુધીની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગુજરાતભરના અંદાજીત 10 હજારથી પણ વધુ આદિવાસી વિદ્યાર્થીઓને કરોડો રૂપિયાની સ્કોલરશીપ મળી નથી. જેથી કરીને વિદ્યાર્થીઓના વાલી પણ આર્થિક સંકડામય ભોગવી રહ્યાં છે. સેલ ફાયનાન્સ કોલેજો દ્વારા વિદ્યાર્થીની સ્કોલરશીપમાંથી જ તેનાં કોર્સની ફી વસૂલવામાં આવતી હોય છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અધિકારીઓ ગવર્મેન્ટ કોલેજમાં ભણતાં વિદ્યાર્થીઓની સ્કોલરશીપ ફાળવે છે, પરંતુ રાજ્યભરની અંદાજીત 1 હજારથી વધારે વિવિધ કોર્સની કોલેજોના વિદ્યાર્થીઓને કરોડો રૂપિયાની સ્કોલરશિપ ફાળવવામાં ગુજરાત આદિજાતી વિકાસ કોર્પોરેશનને અઘિકારીઓએ ઢીલી નિતિ અપનાવી રહ્યા છે. જેથી કરીને રાજ્યભરના આદિવાસી વિદ્યાર્થીઓમાં પણ રોષની લાગણી જોવાં મળી છે.