અમદાવાદઃ દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આ વર્ષે કેન્દ્ર સરકારે ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આયોજન કર્યું છે ત્યારે રાષ્ટ્રધ્વજની ખરીદી માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતભરમાં તિરંગા મહોત્સવને લીધે રાષ્ટભક્તિનો અનેરો માહોલ જોવા મળી રહ્યા છે. અમદાવાદ સહિત મહાનગરોમાં તિરંગાનું સારૂ એવું વેચાણ થઈ રહ્યું છે. જેમાં રાજકોટ અને સુરતમાં સૌથી વધુ તિરંગાનું વેચાણ થયું છે. ઉપરાંત આગામી 15 ઓગસ્ટ સુધીમાં તિરંગાનું વેચાણ બમણું થઈ શકે છે. વડોદરામાં અત્યાર સુધીમાં 50 હજાર તિરંગાનું વેચાણ થયું છે. ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં લોકો સ્વયંભૂ જોડાઈ રહ્યાં છે અને નજીકના સેન્ટરો પરથી તિરંગાની ખરીદી કરી રહ્યાં છે.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તમામ લોકોના ઘર પર તિરંગો લહેરાય તેના માટે રાષ્ટ્રધ્વજનું વેચાણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શનિવારથી શરૂ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રધ્વજના વેચાણને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. કોર્પોરેશન દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં વિવિધ ઝોનમાં 6 લાખ જેટલા રાષ્ટ્રધ્વજ પહોંચાડવામાં આવ્યા છે અંદાજિત બે લાખ જેટલા રાષ્ટ્રધ્વજનું વેચાણ થયું હોવાનું મ્યુનિ. કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું છે.
ગુજરાતભરમાં રાષ્ટ્રભક્તિનો અનેરો માહોલ સર્જાયો છે. અમદાવાદ, સહિત મગાનગરોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. અને રાજકોટ શહેરમાં તો એક લાખ કરતા વધુ તિરંગાનું વેચાણ થઈ જતા સ્ટોક ખૂટી પડ્યો હોવાની સ્થિતિનું નિર્માણ થયું છે. લોકોમાં ઉત્સાહ હોવાથી સ્વયંભૂ રાષ્ટ્રધ્વજ લેવા ઉમટી રહ્યા હોવાનું જોવા મળી રહ્યુ છે. આ અંગે રાજકોટ શહેરના મેયર ડો.પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, વડાપ્રધાનનાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અને અત્યારસુઘીમાં એક લાખ રાષ્ટ્રધ્વજનું વેંચાણ થઈ ચૂક્યું છે. હાલ સ્ટોક ખૂટી ગયો હોવાથી સુરત ખાતેથી વધુ સ્ટોક મંગાવવામાં આવ્યો છે. જે ટૂંક સમયમાં અહીં પહોંચી જશે. હર ઘર તિરંગા અંતર્ગત રાજકોટ શહેરની ત્રણેક લાખ મિલકતો ઉપર તિરંગો લહેરાશે.
આ ઉપરાંત સુરત શહેરમાં અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ તિરંગાનું વેચાણ થયુ છે અને 6 લાખ તિરંગા વેચાવાનો અંદાજ છે. શહેરમાં તિરંગાના વેચાણ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અને લોકો સ્વયંભૂ તિરંગાની ખરીદી કરવા માટે આવી રહ્યા છે. ભાજપના પ્રવક્તા ડૉ. જગદીશ પટેલે જણાવ્યું કે, અત્યારે સરકાર દ્વારા જે ઘર ઘર તિરંગા નું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં રાષ્ટ્રભક્તિને વધુ દ્રઢ બનાવવા માટેનો પ્રયાસ માત્ર છે.
વડોદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા તેમજ વિવિધ સરકારી સંસ્થાઓ દ્વારા તિરંગા ઘર-ઘર પહોંચે તે માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેને વડોદરા શહેરીજનો દ્વારા બોહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. મ્યુનિ. દ્વારા છેલ્લા બે દિવસમાં 50 હજાર ઉપરાંત તિરંગાનું વેચાણ કરવામાં આવ્યું છે. વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના સ્થાયી સમિતિના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે હર ઘર તિરંગાના અભિયાનને સફળ બનાવવા માટે વોર્ડ ઓફિસો સહિત 40 જેટલા કેન્દ્રો ઉપર સામાન્ય દરે તિરંગાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 3.50 લાખ તિરંગા વેચવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. તે સાથે ભાજપા દ્વારા દરેક વોર્ડમાં 20 હજાર તિરંગા વિના મુલ્યે પણ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.