ચંદ્રયાન-3નું લેન્ડર મોડ્યુલ (LM) બુધવારે સાંજે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતર્યું હતું. આમ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ આ ઐતિહાસિક ક્ષણની રાહ જોઈ રહ્યું હતું. લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન) નો સમાવેશ કરતું લેન્ડર મોડ્યુલ સાંજે 6.04 વાગ્યે ચંદ્રના દક્ષિણ ધ્રુવીય પ્રદેશ પર સોફ્ટ-લેન્ડ થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકાથી ઓનલાઈન જોડાયાં હતા. ચંદ્રયાન-3 સફળતા પૂર્વક લેન્ડીંગ થતા ઈસરોની ઓફિસમાં બેઠેલા વૈજ્ઞાનિકોમાં ખુશી ફેલાઈ હતી. ભારત દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર પ્રથમ દેશ બની ગયો છે. આ સાથે ભારતે ઈતિહાસ રચ્યો છે. ISROના વડા એસ સોમનાથ ચંદ્ર પર ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગના સાક્ષી બનવા બેંગલુરુમાં મિશન કંટ્રોલ કોમ્પ્લેક્સમાં હાજર રહ્યાં હતા. જ્યારે કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ દિલ્હીમાં CSIR મુખ્યાલયમાં હાજર રહ્યાં હતા. આ ઐતિહાસિક ઘડીના સાક્ષી બન્યાં હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આફ્રિકાથી ઓનલાઈન જોડાયા હતા અને આ પ્રસંગે ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન આપતાની સાથે જણાવ્યું હતું કે, જ્યારે આપણે આપણી આંખો સામે આવો ઈતિહાસ જોઈએ છીએ ત્યારે જીવન ધન્ય બની જાય છે. આવી ઐતિહાસિક ઘટના રાષ્ટ્રજીવનની ચીરંજનીય બની છે. આ ક્ષણ અભૂતપ્રર્વક છે. આ ક્ષણ વિકસિત ભારતના શંખનાદનો છે. આ સમય નવા ભારતના જયઘોષનો છે. આ સમય જીતના ચંદ્રપથ ઉપર ચાલવાનો છે. આ સમય 140 કરોડ ધડકનની જીતનો છે. અમે ભવિષ્ય માટે અનેક મોટા અને મહત્વકાંક્ષી પ્રોજેક્ટ નક્કી કર્યાં છે. સૂર્યના અભ્યાસ માટે ઈસરો મિશન લોન્ચ કરશે. જે બાદ શુક્ર પણ ઈસરોના લક્ષ્યમાં છે. સાયન્સ ટેકનોલોજી ઉજવળ ભારતનું ભવિષ્ય છે.
ચંદ્રયાન-3ની સફળતા માટે સવારથી વિવિધ ધાર્મિક સ્થળો ઉપર પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ચંદ્રયાન-3ની સફળતા બાદ સમગ્ર દેશમાં ખુશી ફેલાઈ હતી, તેમજ ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી હતી. ચંદ્ર ઉપર પહોંચનારો ભારત દુનિયાનો ચોથો દેશ બન્યો છે. અગાઉ રશિયા, અમેરિકા અને ચીન ચંદ્ર ઉપર ગયું હતું. જો કે, ત્રણેય દેશ દક્ષિણ ધ્રુવ ઉપર ગયા નથી. જેથી ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર પહોંચનારો દુનિયાનો પ્રથમ દેશ બન્યું છે ભારત.