છોટાઉદેપુરઃ આદિવાસીઓની બહુમત વિસ્તાર ગણાતા છોટાઉદેપુર પંથકમાં ખેતી અને ડોલોમાઈટ અને રેતીનો કારોબાર એક માત્ર રોજગારનું માધ્યમ છે. એટલે આ વિસ્તારમાં રોજગારી માટે આદિવાસી શ્રમિકો નાન-મોટા શહેરોમાં જઈને રોજગારી મેળવતા હોય છે. છેલ્લા બે વર્ષ દરમિયાન કોરોના કાળ બાદ ભયંકર મંદી આવી જતાં આદિવાસી પ્રજાએ ભારે હાલાકીનો સામનો કર્યો હતો. રોજ મજૂરી કરી પોતાનું પેટિયું રળતા તદ્દન ગરીબ આદિવાસીની હાલત આજે પણ સારી નથી. ભારે મંદીના પગલે મજૂરી અર્થે આદિવાસીને પર પ્રાંત તથા મોટા શહેરોમાં જવું પડે છે અને પોતાના મા-બાપ તથા ઘર પરિવારના સભ્યોથી અલગ રહેવાનો વારો આવ્યો છે. દિવાળીના તહેવારોમાં મોટાભાગના આદિવાસી શ્રમિકો પોતાના વતન આવ્યા હતા. હવે રોજગારી માટે આદિવાસી શ્રમિકોએ શહેરોમાં જવા માટેની વાટ પકડવા લાગ્યા છે. વિધાનસભાની ચૂંટણી ટાણે જ આદિવાસી શ્રમિકોના સ્થળાંતરથી રાજકીય પક્ષોના ઉમેદવારો પણ ચિંતામાં મુકાયા છે. અને ચૂંટણી સુધી કોરાઈ જવા માટે સમજાવી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ છોટાઉદેપુરના એસટી ડેપોમાં બસની રાહ જોઈ બેસતા આદિવાસીઓ સ્થાનિક રોજગારી મળે તેવી આશા વ્યક્ત કરતો હોય છે. છોટાઉદેપુર જિલ્લો બન્યાને 8 વર્ષ વિતી ગયા પરંતુ હજુ સુધી જીઆઈડીસી પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવી નથી. જેના કારણે હાલ સ્થાનિક કક્ષાએ રોજગારીનો ખૂબ અભાવ છે. પરંતુ વિકાસની વાતો વચ્ચે રોજગારીનું સાધન ન મળવાથી પર પ્રાંતમાં તથા પર રાજ્યમાં અને સૌરાષ્ટ્ર તરફ મજૂરી કરવા જવા ઉપર આદિવાસીઓ મજબૂર બન્યા છે. જેના કારણે હવે ગ્રામીણ વિસ્તારો પણ ખાલીખમ જોવા મળી રહ્યા છે. જ્યારે ચૂંટણી આવે ત્યારે થયેલો વિકાસ ગણાવવામાં આવી રહ્યો છે. પરંતુ કયો વિકાસ છે. એ પ્રજામાં પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, છોટાઉદેપુર પંથકમાં ઘણા ગ્રામીણ વિસ્તારો ચોમાસુ ખેતી ઉપર નિર્ભર છે. આ વિસ્તારમાં પાણીની પણ સમસ્યા છે. શહેરી વિસ્તારોમાં નળ દ્વારા પાણી આપવામાં આવે છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં હેન્ડપંપ છે પણ મોટાભાગના હેન્ડપંપ બગડેલી હાલતમાં શોભાના ગાઠિયા સમાન છે. આદિવાસી ખેડુતોએ ચોમાસામાં થતી ખેતી ઉપર નિર્ધાર રાખવો પડે છે. પછી કમાવવા અર્થે અન્ય રોજગારીનું માધ્યમ શોધવું પડે છે. પરંતુ સ્થાનિક કક્ષાએ રોજગારીનો અભાવ હોય માત્ર જૂજ એકમો હોય તે પણ મંદીમાં ચાલતા હોય જેના કારણે પોતાના ઘર પરિવારનું ભરણ પોષણ કરવા આદિવાસી અન્ય પ્રદેશ તથા મોટા શહેરોમાં મજૂરી કરવા જવા ઉપર મજબૂર બન્યો છે. હવે જિલ્લામાં રોજગારી આવશે કે કેમ એ અંગે આદિવાસી પ્રજા રાહ જોઈને બેઠી છે.