ગાંધીનગરઃ શહેરની મહાનગરપાલિકાની ચૂંટણી માટે 18 એપ્રિલે મતદાન યોજાશે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે. મુખ્ય સ્પર્ધા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રહેશે પણ આમ આદમી પાર્ટી કોના કેટલા મત બગાડે છે, તેના પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારનો હાર-જીતનો મદાર રહેલો છે. કોંગ્રેસના 5 રિપિટ સભ્યોને બાદ કરતાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના તમામ સભ્યો નવા છે. ત્યારે આ ચૂંટણીમાં કસાકસીનો જંગ જામ્યો છે.
ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીને આડે હવે માત્ર 15 દિવસ બાકી રહ્યાં છે. ત્યારે ઉમેદવારો માટે તમામ મતદારો સુધી પહોંચવું મુશ્કેલ બની ગયું છે. જેને પગલે હાલતો ઉમેદવારો માટે ‘રાત થોડી ને વેશ ઝાઝા’ જેવો ઘાટ ઘડાયો છે. તેવામાં કોરોનાના ભય વચ્ચે ઉમેદવારો માટે લોકોને મળવું વધુ મુશ્કેલ બની ગયું છે. સામાન્ય રીતે ઉમેદવારોની જાહેરાત પહેલાં જ ભાજપ અને કોંગ્રેસ દ્વારા તમામ વોર્ડમાં કાર્યકરો સાથે વોર્ડ મિટિંગો કરી લીધી છે. ભાજપ દ્વારા હવે વિજય વિશ્વાસ સંમેલન શરૂઆત કરાઈ છે. તાજેતરમાં વોર્ડ નં-11 ખાતે ભાજપ કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન અપાયું હતું. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા અગાઉ વોર્ડ વાઈઝ બેઠકો કરાયા બાદ પક્ષમાં હાલ ખાસ કોઈ હલચલ દેખાઈ રહી નથી. ઉમેદવારો દ્વારા પોતાની રીતે વિસ્તારમાં લોકો અને કાર્યકરોને સંપર્ક શરૂ કરી દેવાયો છે.
ભાજપના તમામ ઉમેદવારો નવા છે જેને પગલે ભ્રષ્ટાચારના આક્ષેપો અને વર્તમાન શાસનની ભૂલો ગણાવીને આક્ષેપો કરવાની કોઈ તક કોંગ્રેસ પાસે નથી. તો બે ટર્મથી વિપક્ષમાં બેઠેલા કોંગ્રેસના સભ્યો સામે આક્ષેપ કરવા માટે ભાજપ પાસે કોઈ મુદ્દા નથી. આ બધા વચ્ચે આપના અનેક ઉમેદવારો દ્વારા સમસ્યાલક્ષી પ્રચાર શરૂ કરી દેવાયો છે. જેમાં સફાઈ, ઉભરાતી ગટર અને રસ્તા પર ખાડા પુરવા માટે આપના ઉમેદવારો જાતે પહોંચીને કામગીરી કરી રહ્યાં છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવતા ભાજપ અને કોંગ્રેસના મતોનું વિભાજન થઈ જવાનું છે. ત્યારે શનિવારે કોર્પોરેશનની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ સાત કામોનું ગેરંટી વાળુ કાર્ડ જાહેર કરી મેનિફેસ્ટો રજૂ કરવામાં આવ્યો હતો ઉપરાંત કોર્પોરેશનના 11 વોર્ડ દીઠ પ્રભારીઓની પણ નિમણુંક કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ગેરેન્ટી કાર્ડમાં ગાંધીનગરના મતદારોને રીઝવવા માટે અનેક દાવાઓ પણ કરવામાં આવ્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ આમ આદમી પાર્ટીએ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીમાં પણ ઝંપલાવ્યું છે. કોર્પોરેશનના રાજકારણમાં અત્યાર સુધીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી લડાઈ થતી હતી, ત્યારે આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણી જંગમાં ઉમેદવારી કરતા આ વખતે કોર્પોરેશનની ચૂંટણી જંગ ત્રિપાંખિયો રહેવાનો છે. ગાંધીનગરના રાજકારણમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતા મતદારોને પણ ત્રીજો વિકલ્પ મળી ગયો છે જેના પગલે ભાજપ અને કોંગ્રેસના મતોનું વિભાજન થઈ જવાની શક્યતા નકારી શકાય તેમ નથી.