જામનગરઃ શહેરના જીઆઈડીસી ફ્રેસ-3ના એપલ ગેઈટ પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર, રિક્ષા અને 108 એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત થતા એકનું મોત થયું હતુ. અન્ય જગ્યાએ થયેલા અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં જઈ જવામાં આવી રહ્યો છે. આ દરમિયાન જે એમ્બ્યુલન્સમાં દર્દી હતો તે એમ્બ્યુલન્સનો જ એકસ્માત થતા દર્દીનું મોત નિપજ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જામનગરના જામજોધપુર પરીક્ષા સેન્ટરમાંથી બોર્ડની પરીક્ષા પૂર્ણ કરી છેલ્લું પેપર આપીને બાઈક પર જઈ રહેલા ત્રણ વિદ્યાર્થીને શેઠ વડાળા.અને નરમાણા ગામ વચ્ચે ટ્રક ચાલકે ઠોકર મારી હતી.. જેમાં બે વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી. જેથી આ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને જામનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે 108 દ્વારા લઈ જવામાં આવી રહ્યા હતા.આ દરમિયાન જીઆઈડીસી ફ્રેસ-3 પાસે એમ્બ્યુલન્સનો પણ અકસ્માત થતા એક ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનું મોત થયું હતું,
સૂત્રોએ ઉમેર્યું હતું કે, જામજોધપુરના સરોડર ગામના ધોરણ 10ના વિદ્યાર્થી કિશન દેવભાઈ મૂઢવા અને નવનીત ભીમજીભાઇ ચારોલા. રે સદોડર ઉ.15 તેમજ તેનો અન્ય મિત્ર બાઈક લઈને બોર્ડની પરીક્ષા પૂર્ણ કરી ઘર તરફ આવી રહ્યા હતા. દરમિયાન બાઈકને અકસ્માત થતા તેઓને સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા હતા. ત્યારે જીઆઈડીસી ફ્રેસ-3ના એપલ ગેઈટ પાસે રિક્ષા, કાર અને આ એમ્બ્યુલન્સ વચ્ચે ત્રિપલ અકસ્માત થતા કિશન દેવભાઈ મૂઢવા નામના વિદ્યાર્થીનું મોત થયું હતું. તેમજ 108ના પાઈલટ સહિત દર્દીના સગાને પણ ઈજા પહોંચી હતી. જેથી તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃતક કિશનના પરિવારમાં પાંચ સભ્ય હતા. જેમાં કિશન સૌથી નાનો હતો. કિશનને એક મોટો ભાઈ અને એક મોટી બહેન છે
આ અકસ્માતની ઘટનાને લઈ હાઈવે પર ટ્રાફિકજામ થયો હતો. તેમજ લોકોના પણ ટોળેટોળા એકઠા થયા હતા. જેને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, પોલીસે ઘટના સ્થળે દોડી આવી અન ટ્રાફિક દુર કર્યો હતો.