Site icon Revoi.in

કોરોનાવાયરસ: ત્રિપુરામાં 5 જૂન સુધી કર્ફ્યુ લંબાવવામાં આવ્યુ, જરૂરી સામાનની દૂકાનો રહેશે ચાલુ

Social Share

અગરતાલા: ત્રિપુરા સરકારે કોરોનાવાયરસની ચેઈન તોડવા માટે વધારે કડક પગલા લીધા છે. સમગ્ર રાજ્યમાં કર્ફ્યુને 5 જૂન સુધી લંબાવવામાં આવ્યું છે. જો કે કર્ફ્યુમાં જીવન જરૂરી ચીજ-વસ્તુઓ માટે દુકાનો ખુલ્લી રહેશે અને ખાદ્ય પદાર્થોની ખરીદી માટે સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધી પરવાનગી આપવામાં આવી છે.

જો વાત કરવામાં આવે આ મહિનાની તો શરૂઆતના સમયમાં લગાવવામાં આવેલા 24 કલાકનું કર્ફ્યુ બુધવારે સવારે 5 વાગે ખત્મ થવાનું હતુ, પણ મંગળવારે કેબિનેટની બેઠક મળી અને તેમાં કર્ફ્યુના નિર્ણયને લંબાવવાનું નક્કી કરવામાં આવ્યું.

વરિષ્ઠ પ્રધાન રતનલાલ નાથે ખાસ કરીને અગરતલા અને પશ્ચિમ ત્રિપુરા જિલ્લામાં કોવિડ -19ની પરિસ્થિતિને ગંભીર ગણાવી હતી અને કર્ફ્યુના કડક પાલનનું નિર્દેશન કર્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે વિવિધ સૂચનો હેઠળ લાદવામાં આવેલા તમામ પ્રતિબંધો અને નિયમો અમલમાં રહેશે. તેમણે કહ્યું કે હાલની પરિસ્થિતિ હોવા છતાં સરકારે 6 કલાકની છૂટ આપવાનો નિર્ણય લીધો છે.

જો કે, તેમણે સ્પષ્ટ કર્યું કે મુક્તિ સમયે પણ જાહેર અને પેસેન્જર પરિવહનને રસ્તા પર મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ સિવાય તેમણે ચેતવણી આપી હતી કે જો લોકો કોવિડ -19ના નિયમોની અવગણના કરે છે જેમ કે ફેસ માસ્ક ન પહેરવા અને સામાજીક અંતરના ધારાધોરણોનું પાલન ન કરવુ, તો અધિકારીઓ યોગ્ય કાર્યવાહી કરશે. મંત્રીએ કહ્યું કે કેબિનેટે સાત લાખ નિરાધાર પરિવારોને એક હજાર રૂપિયા સહાય આપવાનો નિર્ણય પણ કર્યો છે. તેમણે કહ્યું હતું કે સરકાર આ હેતુ માટે 70 કરોડ ખર્ચ કરશે.

તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં 773 કેસ અને પાંચ મૃત્યુ સાથે ત્રિપુરામાં સંક્રમણ વધવાનું ચાલુ છે. કોરોનાવાયરસથી મૃત્યુઆંક વધીને 472 થયો છે. બીજી તરફ, જો તમે દેશભરમાં મંગળવારના આંકડા પર નજર નાખો, તો છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ચેપના 1,96,427 નવા કેસ નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં 3,511 લોકોનાં મોત નીપજ્યાં છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર સોમવારે 3,26,850 લોકો ચેપથી સાજા થયા હતા.