ત્રિપુરાઃ બાંગ્લાદેશ સરહદ પર ઘુસણખોરીમાં વધારો, એક વર્ષમાં બીએસએફએ 744 લોકોને પકડ્યાં
નવી દિલ્હીઃ ભારત-બાંગ્લાદેશ સરહદ ઉપર ઘુસણખોરીના બનાવોને અટકાવવા માટે ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા સરહદ ઉપર ચુસ્ત બંદોબસ્તની સાથે સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન વર્ષ 2023માં બીએસએફએ 744 ઘુસણખોરોને ઝડપી લીધા છે. જેમાં 112 રોહિંગ્યાઓનો પણ સમાવેશ થાય છે. આ તમામ ગેરકાયદે રીતે ભારતીય સરહદમાં ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો. છેલ્લા પાંચ વર્ષમાં ઘુસણખોરીના બનાવોમાં વર્ષ 2023માં વધારો જોવા મળ્યો છે. વર્ષ 2022માં બીએસએફ દ્વારા 369 અને વર્ષ 2021માં 208 ઘુસણખોરોને ઝડપી લેવામાં આવ્યા હતા.
સુત્રોના જણાવ્યા અનુસાર ગત વર્ષમાં બીએસએફ દ્વારા ઘુસણખોરોની સાથે પ્રતિબંધિત સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે. જેમ કે કફ સિરપ, ગાંજો, યાબા ટેબલેટ અને બ્રાઉન સુગર સહિતની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. જેની કિંમત લગભગ 41 કરોડ જેટલી થાય છે. આ ઉપરાંત સીમા ઉપરથી સોનાની દાણચોરીના રેકેટનો પણ પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જેમાં લગભગ ચાર કિલો સોનુ જપ્ત કરવામાં આવ્યું હતું. બીએસએફના જણાવ્યા અનુસાર વર્ષ 2023માં લગભગ 744 ઘુસણખોરોને ઝડપી લેવામાં આવ્યા છે. જેમાં 112 રોહિંગ્યા, 337 બાંગ્લાદેશી અને 295 જેટલા ભારતીયોનો સમાવેશ થાય છે. સરહદ ઉપર ગેરકાયદે પ્રવૃતિ અને ઘુસણખોરીને અટકાવવા માટે સઘન કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય સરહદોની સુરક્ષા માટે સુરક્ષા જવોનાની સંખ્યામાં સતત વધારો કરવામાં આવ્યો છે. તેમજ સરહદ ઉપરથી ગેરકાયદે પ્રવૃતિને ડામવા માટે સઘન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.