ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડની વિધાનસભા ચૂંટણીની જાહેરાત, 2 માર્ચે પરિણામ
નવી દિલ્હીઃ વર્ષ 2023માં રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત 9 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. દરમિયાન ચૂંટણીપંચએ આજે ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડ સહિત 3 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી હતી. ત્રિપુરામાં 16 ફેબ્રુઆરી, મેઘાલય અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ મતદાન થશે. તેમજ ત્રણેય રાજ્યોમાં 2 માર્ચે પરિણામ જાહેર કરવામાં આવશે. ત્રણેય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ આચારસંહિતા અમલમાં આવી છે.
પૂર્વોત્તરના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડની વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ત્રણેય રાજ્યોમાં 60-60 સભ્યોની એસેમ્બલી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, “ત્રણેય રાજ્યની ચૂંટણીની ખાસ વાત એ છે કે અહીં મતદાન કરનાર મહિલા મતદારોની સંખ્યા પુરુષો કરતાં વધુ છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં, નાગાલેન્ડમાં 86%, મેઘાલયમાં 87% અને ત્રિપુરામાં 91% મતદાન કરનાર મહિલાઓની સંખ્યા હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “છેલ્લી ચૂંટણીઓમાં કોઈ હિંસા થઈ નથી. હવે માત્ર બે-ત્રણ રાજ્યોમાં ચૂંટણી દરમિયાન હિંસા થાય છે. લોકશાહીમાં હિંસાને કોઈ સ્થાન નથી. અમે આ ત્રણ રાજ્યોમાં પણ હિંસા સહન નહીં કરીએ. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું, “ત્રણ રાજ્યોમાં કુલ 62.8 લાખ મતદારો હશે. નાગાલેન્ડમાં 13.09 લાખ, મેઘાલયમાં 21.61 લાખ અને ત્રિપુરામાં 28.13 લાખ મતદારો છે.
ત્રણેય રાજ્યોમાં કુલ 31.47 લાખ મહિલા મતદારો હશે. તેમાંથી ત્રિપુરામાં સૌથી વધુ 13.98 લાખ મહિલા મતદારો છે. ત્રણેય રાજ્યમાં કુલ 1.76 લાખ મતદારો હશે, જેઓ પ્રથમ વખત મતદાન કરશે. મેઘાલયમાં સૌથી વધુ 81,443 મતદારો 18-19 વર્ષની વયના હશે, જેઓ પ્રથમ વખત મતદાન કરશે.