મ્યાનમારમાં સેનાનો આતંક,પાંચ બાળકો સહિત 11 પ્રદર્શનકારીઓને જાહેરમાં સળગાવી નાખ્યાં
- મ્યાનમારમાં રક્ષક જ બન્યા ભક્ષક
- 11 પ્રદર્શનકારીઓને જીવતા સળગાવ્યા
- પાંચ બાળકોની પણ આ રીતે કરી હત્યા
દિલ્હી:મ્યાનમારમાં છેલ્લા કેટલાક દિવસથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. આવામાં હવે સેના દ્વારા પણ તમામ પ્રકારની હદ ભૂલીને પ્રદર્શનકારીઓ પર અતિભયંકર દમન ગુજારવામાં આવી રહ્યો છે. જાણકારી અનુસાર મ્યાનમારમાં લશ્કરે પાંચ બાળકો સહિત 11 પ્રદર્શનકારીઓને જાહેરમાં જીવતાં સળગાવી દીધા હતાં.
હાલ મ્યાનમારની સ્થિતિ એવી છે કે ત્યાં ક્યારેક પ્રદર્શનકારીઓના ટોળાં ઉપર ટ્રક ઘૂસાડીને લોકોને કચડી નાખવામાં આવે છે. તો ક્યારેય જાહેરમાં અંધાધૂંધ ગોળીબાર કરીને પ્રદર્શનકારીઓને ઠાર મારવામાં આવે છે.
ક્રૂરતાની હદ પાર કરતો બનાવ મ્યાંમારના સગાઈંગ પ્રાંતમાં બન્યો હતો. ડોન તાવ નામના ગામમાં સૈન્યના ક્રૂર સૈનિકો ત્રાટક્યા હતાં. ત્યાં સૈન્યનો વિરોધ કરી રહેલાં બાળકો સહિત 11 લોકોને જીવતા સળગાવી દીધા હતાં. જીવતા સળગાવ્યા એ દરમિયાન સૈન્યએ તેમને ગોળીઓ પણ ધરબી હતી. તો કેટલાંક અગ્નિમાં તરફડતા તરફડતા ભડથું થઈ ગયાં હતાં.
હ્મુમન રાઈટ્સ વોચડોગે તો એટલે સુધી દાવો કર્યો હતો કે હવે મ્યાંમારના મિલિટરી રાજમાં આવા બનાવો સામાન્ય થઈ પડયા છે, પરંતુ આ પહેલો બનાવ એવો છે કે જે કેમેરામાં કેદ થયો છે. ભારે હોબાળો થયો તે પછી લશ્કરે સત્તાવાર ટીવી ચેનલમાંથી આ ઘટનાનો ઈનકાર કર્યો હતો. પણ સ્થાનિક લોકોએ સાક્ષી આપી હતી એ પ્રમાણે લશ્કરના ૫૦ જવાનોએ ગામને ધમરોળ્યું હતું.