- લાખોના ખર્ચે મુકાયેલા ટ્રાફિક સિગ્નલો શોભાના ગાઠિયા સમાન બન્યા,
- સિગ્નલો બંધ છે, ત્યાં સવરા-સાંજ સર્જાતો ટ્રાફિક જામ,
- કોંગ્રેસ દ્વારા મ્યુનિના ચીફ ઓફિસરને રજુઆત
મહેસાણાઃ શહેરમાં ટ્રાફિકની સમસ્યા રોજબરોજ વકરતી જાય છે. ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે મ્યુનિ.દ્વારા લાખો રૂપિયાના ખર્ચે શહેરના ચાર રસ્તાઓ પર સિગ્નલો મુકવામાં આવ્યા હતા. જોકે આ સિગ્નલો ગણતરીના મહિનામાં જ બંધ પડતા આજ સુધી ચાલુ થઈ શક્યા નથી. આથી ટ્રાફિક સિગ્નલો ફરી ચાલુ કરવા મહેસાણા સહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ પાલિકાના ચીફ ઓફિસર ને પત્ર લખી રજુઆત કરી છે.
મહેસાણા શહેરમાં વાહનોની સંખ્યા વધતા ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. શહેરના રાધનપુર ચોકડી પર દિવસેને દિવસે ટ્રાફિક સમસ્યા વધી રહી છે. જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે. રાધનપુર ચોકડી હાઇવે ખાતે બંધ પડી ગયેલા ટ્રાફિક સિગ્નલો ચાલુ કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા હલ કરી શકાય તેમ છે. શહેરમા થોડા વર્ષ અગાઉ 49 લાખના ખર્ચે મહેસાણા શહેરના અલગ અલગ સર્કલો પર ટ્રાફિક સિગ્નલ મુકાયા હતા.તે પૈકી રાધનપુર ચોકડી તથા અન્ય સ્થળો ખાતે ટ્રાફિક સિગ્નલો પણ લાગેલા છે ત્યારે ટેક્નિકલ ખામીના કારણે આ સિગ્નલ બંધ પડી જતા શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. છેલ્લા કેટલાય વર્ષોથી આ સિગ્નલો બંધ હાલતમાં હોવાથી તંત્ર કે સ્થાનિક પદાધિકારીઓએ સિગ્નલ ચાલુ કરવા માટે કોઈ તસ્દી લીધી નથી. હાલમાં મહેસાણાના મોટા ભાગના સર્કલો પર સવારે અને સાંજે ભારે ટ્રાફિકજામ જોવા મળતો હોય છે.જે ટ્રાફિક જામના નિરાકરણ માટે બંધ પડેલા સિગ્નલો અથવા નવા સિગ્નલો લગાવવા કોંગ્રેસ રજુઆત કરી છે.
મહેસાણા શહેરમાં રાધનપુર સર્કલ અગાઉના પહોળું હોવાથી અકસ્માત સર્જાતા હતા અને ટ્રાફિકની સમસ્યા રહેતી હતી.જોકે, કોંગ્રેસ એ દિવસોમાં વિરોધ કરી મોટુ સર્કલ નાનું કરાવડાયું હતું. અને સર્કલ પર ટ્રાફિક સિગ્નલો મુકવામાં આવ્યા હતા. ઘણા સમયથી સિગ્નલો બંધ હાલતમાં છે. બંધ પડેલા સિગ્નલો ફરી ચાલુ કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા હલ થઈ શકે છે. આ અંગે મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયદીપ સિંહ ડાભીએ મહેસાણા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી માગ કરી છે.