ભૂજ : જિલ્લાના અબડાસા તાલુકામાં પશુ દવાખાના છે.પણ તેમાં પશુ ડોક્ટર નહીં હોવાથી પશુપાલનના મુખ્ય વ્યવસાયવાળા તાલુકામાં પશુ બીમાર પડે ત્યારે તેના માલિકોને’ બહુ મુશ્કેલી થાય છે. પશુ દવાખાના તો છે, પણ પશુચિકિત્સકો જ નથી.
અબડાસામાં નલિયા અને કોઠારામાં પશુ દવાખાના છે. આ પૈકી કોઠારા દવાખાનામાં’ લાંબા સમયથી વેટરનરી તબીબ નિમાયા નથી. જેના પગલે આસપાસના 40 ગામોમાં ઢોર બીમાર પડે ત્યારે નલિયાથી તબીબ બોલાવવા પડે છે. નલિયા વેટરનરી દવાખાનામાં તબીબ છે, જેને કોઠારાનો વધારાનો ચાર્જ પણ અપાયો છે. એટલું જ નહીં’ વેટરનરી ફરતા દવાખાનામાં પણ તબીબ નથી, જેનો ચાર્જ પણ નલિયાના ડોક્ટર પાસે છે, તો પશુધન નિરીક્ષકવાળા જિ.પં. સંચાલિત અબડાસામાં ચાર દવાખાના છે જેમાં ડુમરા, બિટ્ટા, મોથાળા, વાયોર સહિતના’ દવાખાના પૈકી માત્ર ડુમરા ખાતે જ લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટરની જગ્યા પૂરાયેલી છે.
ત્રણ દવાખાનામાં કોઇ તબીબ ન હોવાથી અંતરિયાળ ગામોમાં ઢોર માંદું પડે ત્યારે તેના માલિકોને દોડવું પડે છે. ખાસ કરીને ગરડા વિસ્તારના’ 40થી 50 ગામોમાં પશુપાલન વ્યવસાય ફૂલ્યો ફાલ્યો છે. પણ એ વિસ્તારના મુખ્ય મથક સમા વાયોર ગામે પશુધન નિરીક્ષક ન હોતાં દુર્ગમ વિસ્તારના ગામડામાં પશુ બીમાર પડે ત્યારે તેમના માલિકોને તકલીફ વધારે થાય છે.
અબડાસામાં ખાનગી કંપની સંચાલિત જી.વી.કે. સેવા કાર્યરત કરાઇ છે પણ જ્યાં વધારે જરૂર હોય તેવો ગરડા વિસ્તાર બાકાત રખાયો છે. માનવો માટે જેમ 108 સેવા છે તેવી જ રીતે પશુધન માટે 1962 ટોલ ફ્રી નંબર સાથેના 4 સેન્ટર નક્કી કરાયા છે, જેમાં જખૌ, હાજાપર, કરોડિયા મોટા, ઐડા આ ગામો વાહન સુવિધા સાથે કાર્યરત કરાયા છે. પ્રત્યેક ગામ દીઠ મોબાઇલ વાહનને 10 ગામો ફાળવાયા?છે. આ મંજૂર થયેલ 1962 સેવા વેટરનરી પશુ દવાખાના ઐડા ગામે કાર્યરત થઇ નથી.
અબડાસામાં વર્ષ 2015/16ની પશુ ગણતરી મુજબ 2,53,366 ઝીણા માલ સહિત પશુઓની સંખ્યા છે. આ પૈકી 72751 ગાય, 28662 ભેંસ, 98363 ઘેટાં, 53590 બકરીની સંખ્યા મુખ્ય છે તો રખડતા ભટકતા પશુધનની સંખ્યા પણ 20,000થી ઉપર છે. ખાસ કરીને કાગળ, કોથળી, એઠવાડ સાથે પોતાનું જીવનનિર્વાહ ટકાવી રાખનાર રખડતું ભટકતું પશુધન જ્યારે બીમાર પડે ત્યારે કોઇક સેવાભાવી જ્યાં જ્યાં વેટરનરી પશુધન નિરીક્ષક હોય ત્યાં આ કર્મચારીઓ બીમાર પશુની શુશ્રૂષા કરે છે પણ જ્યાં મૂંગા પશુને સારવાર ન મળે તેના કારણે પશુ મૃત્યુ પામે છે. અબડાસામાં’ પશુપાલનએ મોટા વ્યવસાયનું સ્થાન લીધું છે.
ગામે ગામ દૂધ ડેરીઓ અથવા મિલ્ક કલેકશન કેન્દ્ર અસ્તિત્વમાં આવતા દૂધના ભાવો સારા ઉપજે છે. અલબત્ત આ વ્યવસાયને પ્રોત્સાહન મળે તેવી પર્યાપ્ત સરકારી રાહે મોકળાશ ન મળતાં પશુપાલન વ્યવસાય ઝાઝો ટકશે નહીં તેવું અનુભવીઓ જણાવી રહ્યા છે. અબડાસામાં વેટરનરી દવાખાના છે ત્યાં તબીબ કે પશુધન નિરીક્ષકની નિમણૂક કરવા અને ગરડા વિસ્તારમાં બેથી ત્રણ સ્થળે 1962 મોબાઇલ દવાખાના કાર્યરત કરવા માંગણી ઊઠી છે.