Site icon Revoi.in

ટ્રમ્પ પર મુસીબતો વધી, પૂર્વ રાષ્ટ્રપતિ વિરુદ્ધ ગોપનીય દસ્તાવેજો સંબંધિત વધુ એક કેસ દાખલ

Social Share

દિલ્હી:અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં ગુરુવારે ટ્રમ્પ વિરૂદ્ધ ગોપનીય દસ્તાવેજો સંબંધિત અન્ય એક કેસ દાખલ કરવામાં આવ્યો છે. ટ્રમ્પ વર્ગીકૃત દસ્તાવેજોની તપાસમાં અવરોધ ઉભો કરવા અને તેમની ફ્લોરિડા એસ્ટેટ માર એ લાગોમાંથી સર્વેલન્સ ફૂટેજ કાઢી નાખવાના નવા આરોપોનો સામનો કરી રહ્યા છે. ટ્રમ્પ વિરૂદ્ધ ગોપનીય દસ્તાવેજો સાથે જોડાયેલા આ મામલામાં સુનાવણી આવતા વર્ષે મેમાં શરૂ થશે.

2024માં યોજાનારી યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી તરફથી ડોનાલ્ડ ટ્રમ્પ મુખ્ય દાવેદાર છે. આવી સ્થિતિમાં નવા આરોપોને કારણે તેમની મુશ્કેલીઓ વધી શકે છે. જો કે, ટ્રમ્પે તેમના પર લાગેલા આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે આ બાઈડેન ક્રાઈમ ફેમિલી અને તેમના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસની હેરાનગતિ સિવાય બીજું કંઈ નથી. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ફરિયાદી જેક સ્મિથ જાણે છે કે તેમની પાસે કોઈ કેસ નથી.

ટ્રમ્પ સામે નવા આરોપો એ જ દિવસે લાગ્યા છે કે જ્યારે તેમના વકીલે 2020 ની રાષ્ટ્રપતિની ચૂંટણીને પલટાવી પાડવાના કથિત આરોપો સંબંધિત કેસમાં ફરિયાદી સાથે મુલાકાત કરી હતી. ટ્રમ્પ પર તેમના અંગત સ્ટાફ વાલ્ટિન વાલ્ટ નૌટા અને માર એ લાગો પ્રોપર્ટીના મેનેજર કાર્લોસ ડી ઓલિવેરા સાથે માર એ લાગો પ્રોપર્ટીના સર્વેલન્સ ફૂટેજ ડિલીટ કરવાનો આરોપ છે. આ કેસમાં ઓલિવેરા અને નૌટા વચ્ચેની વાતચીતને દસ્તાવેજ તરીકે રજૂ કરવામાં આવી છે.