રાજકોટઃ શહેરમાં શનિવારે સાંજે TRP ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં મૃત્યુઆંક વધીને 32 સુધી પહોંચી ગયો છે. આ દર્દનાક ઘટનાને પગલે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિતના અનેક લોકોએ શોક વ્યક્ત કર્યો હતો. શનિવારે રાત્રે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટ તાબડતોબ પહોંચી ગયા હતા.અને રવિવારે સવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. દરમિયાન મુંખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રવિવારે સવારે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમની સાથે અન્ય મંત્રીઓ પણ હતા. મુખ્યમંત્રીએ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. અને જિલ્લાના અધિકારીઓ સાથે ચર્ચા કરીને જવાબદારો સામે કડક પગલાં લેવાના નિર્દેશો કર્યા હતા.
રાજકોટ શહેરમાં 32 લોકોના મોતથી હાહાકાર મચી ગયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં પહોંચીને ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી સાથે અન્યમંત્રીઓ પણ જોડાયા હતા. કલેકટર સહિત અધિકારીઓ પણ મુખ્યમંત્રીની સાથે રહ્યા હતા. ત્યારબાદ સિવિલ હોસ્પિટલ જઈને મુખ્યમંત્રીએ મૃતકોના સ્વજનોને મળીને આશ્વાસન આપ્યું હતું. આ ઘટનામાં મૃતદેહ ભયાનક રીતે સળગી જતા તેમની ઓળખ કરવામાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. હવે મૃતદેહોના DNA ટેસ્ટ કરીને ઓળખ કરવામાં આવશે ત્યાર બાદ જ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. માતા-પિતા અથવા ભાઈ-બહેનના સ્વજનોના સેમ્પલિંગ લેવાયા છે. હાલ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં મૃતકોના સગાઓ પહોંચી ગયા છે. સરકારે આગની ઘટનાની તપાસ માટે SIT ની રચના કરી છે.
રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ TRP ગેમ ઝોન કે જ્યાં આગ લાગી હતી તે સ્થળે પહોચ્યા ત્યારે મુખ્યમંત્રીએ એક બાળક સાથે વાતચીત કરી હતી. આ પ્રત્યક્ષદર્શી બાળકે પોતાની આપવીતી મુખ્યમંત્રીને જણાવી હતી. આ બાળકે જણાવ્યુ કે, ‘નીચે આગ લાગી હતી તો અમે નીચે આવ્યા હતા. અમે રોલિંગ કરતા હતા અને અન્ય લોકો પણ અમારી સાથે હતા. નીચે એન્ટ્રી, એક્ઝિટ એક જ હતા.’ બાળકે વધુમાં જણાવ્યુ કે, ‘અમે ઈમરજન્સી બાજુ ભાગ્યા હતા. ઈમરજન્સી પાસે જ આગ લાગી હતી. દરવાજો લોક થઇ ગયો હતો. જે પછી અમે ઇમરન્સી એક્ઝિટ બાજુ ભાગ્યા હતા. અમારી પાસે કોઇ જ ઓપ્શન ન હતુ. એક ખૂણામાં એક નાનું પતરું હતુ જે મેં પગ મારીને પતરું તોડી દીધુ હતુ. જે બાદ અમે વીસેક લોકો ત્યાંથી બહાર નીકળી ગયા, સ્મોક એટલો હતો કે, શ્વાસ નહોતો લેવાતો. જે બાદ અમે જમ્પ કરીને નીચે પડ્યા હતા. પતરું તોડી અમે બહાર આવ્યા હતા.