Site icon Revoi.in

કેરળમાં ટ્રક રોડની સાઈડમાં બનેલા તંબુમાં ઘૂસી, પાંચના મોત

Social Share

બેંગ્લોરઃ કેરળના ત્રિશુલ જિલ્લામાં મંગળવારે વહેલી સવારે એક ટ્રક રસ્તાની બાજુમાં બનેલા તંબુમાં ઘૂસી જતાં ત્યાં સૂઈ રહેલા બે બાળકો સહિત ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા અને અન્ય છ લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, વાલપાડ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના નાટીકા ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વિચરતીજાતિના લોકો તેમના તંબુઓમાં સૂતા હતા જ્યારે ટ્રકે તેમને સવારે 4.30 વાગ્યે કચડી નાખ્યા હતા.

તેમણે કહ્યું કે મૃતકોમાં દોઢ વર્ષ અને ચાર વર્ષના બે બાળકો અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. તેણે કહ્યું કે ટ્રક કન્નુરથી લાકડા લાવી રહી હતી અને અકસ્માત સમયે તેને એક હેલ્પર ચલાવી રહ્યો હતો જેની પાસે લાઇસન્સ ન હતું.

તેમણે જણાવ્યું કે ટ્રક ચાલકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. થ્રિસુર શહેરના પોલીસ કમિશનર આર ઇલાંગોએ અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની બિનજામીનપાત્ર જોગવાઈ હેઠળ દોષિત સામે કેસ નોંધવામાં આવ્યો છે.

પોલીસ કમિશનરે કહ્યું કે આ ગુના માટે 10 વર્ષની જેલની જોગવાઈ છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, વાહન ખૂબ જ ઝડપે આગળ વધી રહ્યું હતું અને ડ્રાઈવરે અકસ્માત બાદ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. અધિકારીએ કહ્યું, “સ્થાનિક લોકોએ તેને પકડી લીધો અને પોલીસને હવાલે કર્યો.”

જિલ્લા મેજિસ્ટ્રેટ અર્જુન પાંડિયન પણ ઘટનાસ્થળે ગયા હતા. તેમણે મીડિયાને જણાવ્યું કે તમામ ઘાયલોની થ્રિસુર મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી છે અને ઘાયલોમાંથી બેની હાલત નાજુક છે. તેમણે કહ્યું કે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવશે.

રાજ્યના મહેસૂલ મંત્રી કે. રાજને કહ્યું કે પોલીસ અને જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી વિગતવાર રિપોર્ટ માંગવામાં આવ્યો છે. આ ઘટનાને “દુર્ભાગ્યપૂર્ણ” ગણાવતા રાજને કહ્યું કે પોલીસની પ્રાથમિક તપાસ મુજબ ડ્રાઈવર અને એટેન્ડન્ટે ગંભીર ભૂલો કરી હતી. તેમણે કહ્યું કે પીડિતોને કયા સંજોગોમાં રસ્તાના કિનારે સૂવાની ફરજ પડી તે અંગે પણ તપાસ કરવામાં આવશે.