1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મોટર વ્હીકલના નવા કાયદાના વિરોધમાં હાઈવે પર ઠેર-ઠેર ચક્કાજામ કરી ટ્રક ડ્રાઈવરો કર્યો વિરોધ
મોટર વ્હીકલના નવા કાયદાના વિરોધમાં હાઈવે પર ઠેર-ઠેર ચક્કાજામ કરી ટ્રક ડ્રાઈવરો કર્યો વિરોધ

મોટર વ્હીકલના નવા કાયદાના વિરોધમાં હાઈવે પર ઠેર-ઠેર ચક્કાજામ કરી ટ્રક ડ્રાઈવરો કર્યો વિરોધ

0
Social Share

અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં મોટર વ્હીકલ એક્ટમાં સુધારો કરીને અકસ્માતોના કેસમાં કડક સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે. અને આ અંગેનું બિલ પણ લોકસભામાં મંજુર કરી દેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર અકસ્માતના કાયદામાં સજાની જોગવાઈમાં કરવામાં આવેલા ફેરફારને લઈ દેશભરના ટ્રક ડ્રાઈવરોમાં રોષ ફાટી નીકળ્યો છે. જેમાં ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ટ્રક-ટેન્કર ડ્રાઈવરો દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. રવિવારે સૌરાષ્ટ્ર-કચ્છમાં હાઈવે ચક્કાજામ કરાયા બાદ સોમવારે મહેસાણા, નવસારી, ખેડા,વલસાડ, વડોદરા સહિત નેશનલ હાઈવે પર ઠેર-ઠેર ચક્કાજામ કરાયો હતો. મહેસાણાના ખેરાળુ નજીક હાઈવે પર ડ્રાઈવરો દ્વારા ટાયર સળગાવવામાં આવ્યાં હતાં

ગુજરાતમાં પણ કેન્દ્રના અકસ્માત અંગેના નવા કાયદા સામે ટ્રક-ટેન્કરોના ડ્રાઈવરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદથી મુંબઈ જતા નેશનલ હાઈવે પર નવસારી, ખેડા અને વલસાડમાં ટ્રક ડ્રાઈવરો દ્વારા ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. અકસ્માતના કાયદામાં સજાની જોગવાઈના વિરોધમાં હાલ ડ્રાઈવરો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા નવા કાયદાની અમલવારીના નિર્ણયને લઈને તમામ જગ્યાએ વિરોધના વંટોળ જોવા મળી રહ્યા છે. વડોદરા શહેર નજીક નેશનલ હાઇ-વે પરની દુમાંડ ચોકડી પાસે ટ્રક ચાલકોએ ભેગા મળી ચક્કાજામ કર્યો હતો. જેને લઇ ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.

કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટના કાયદાને કડક બનાવવામાં આવ્યો છે. આ કાયદામાં વાહન અકસ્માતના ગુનામાં માલવાહનના ડ્રાઇવરને 10 વર્ષ સુધીની જેલ તેમજ ફરીથી વાહનચાલકને લાઇસન્સ મળે જ નહીં અને લાખો રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. આકરી જોગવાઈના કારણે હાલ ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા છે. મહેસાણાના ખેરાલુ શહેરમાં ડ્રાઈવરોએ રસ્તા પર ટાયર સળગાવી ચકક્જામ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ત્યાર બાદ એસોસિયેશન દ્વારા ખેરાલુ મામલતદારને આવેદનપત્ર પાઠવી પોતાની રજૂઆત કરી હતી. ખેરાલુમાં ડ્રાઈવરોના વિરોધના પગલે અનેક વાહનચાલકો ફસાયા હતા. ડ્રાઈવરોએ રસ્તા પર પડેલા બેરિકેડ્સનો ઉપયોગ કરી ચક્કાજામનો પ્રયાસ કરતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને વાહનવ્યવહારને પૂર્વવત્ કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ ઉપરાંત  ખેડા જિલ્લાના મહેમદાવાદના ખાત્રજ ચોકડી પાસે ટેન્કરચાલકોએ સૂત્રોચ્ચાર કરી દેખાવ કર્યા હતા, જ્યારે ખેડા પાસેના નેશનલ હાઇવે પર ટ્રકચાલકોએ ટ્રકો થંભાવી વિરોધ કર્યો હતો. ખાત્રજ ચોકડી પાસે ટેન્કરચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો. ખાત્રજ ચોકડી સર્કિટ હાઉસ સામે તમામ ડ્રાઇવરો એકઠા થયા હતા. જ્યારે ખેડા-અમદાવાદ નેશનલ હાઇવે પર કનેરા ગામ નજીક પણ ટ્રકચાલકો દ્વારા હાઈવેની સાઈડમાં ટ્રક થંભાવી દઈ આ કાયદાનો સખત વિરોધ કર્યો હતો. તેમજ નવસારી જિલ્લાના ટ્રકચાલકોએ પણ હાઈવે પર  ચક્કાજામ કર્યો હતો.  2000થી વધુ ટ્રકચાલકોએ ભેગા થઈને ચીખલી વાંસદા હાઇવે બંધ કરતાં ટ્રાફિકજામ થયો હતો, જેને હળવો કરવા માટે વાંસદા અને ચીખલી પોલીસ દોડતી થઈ હતી. જ્યારે ધરમપુરના કાકરકુંવા ગામે નેશનલ હાઈવે-56 અને વાપીમાં જીઆઈડીસી રોડ બ્લોક કરીને બે અલગ-અલગ જગ્યાએ ટ્રકચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો, જેમાં કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ જોડાયા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code