ભાવનગરઃ અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં શિપબ્રેકરો દ્વારા ઉઘરાવવામાં આવતા રૂ.100 પ્રતિ ટન લોડિંગ ચાર્જ હટાવવા માટે અને ટ્રક ભાડા વધારવા માટે ચલાવવામાં આવી રહેલી લડતમાં નવો વળાંક આવ્યો છે. શિપબ્રેકરોએ લોડિંગ ચાર્જ હટાવી અને જૂની સીસ્ટમ પ્રમાણે કામગીરી કરવાની મૌખિક સહમતી આપી છે, પરંતુ રી-રોલિંગ મિલ એસો. અને ટ્રક-ટ્રાન્સપોર્ટ એસો. લેટરહેડ પર લેખિતમાં લોડિંગ ચાર્જ હટાવાયો હોવાની માંગણી પર અડગ છે.
અલંગ શીપયાર્ડમાં તા.27મી જુલાઇથી ટ્રક-ટ્રાન્સપોર્ટની હડતાળ ચાલી રહી છે, અને તેના કારણે જિલ્લામાં અનેક ટ્રક-ટ્રાન્સપોર્ટરોના પૈડા થંભી ગયા છે. રી-રોલિંગ મિલ અને ટ્રક એસો. દ્વારા એવી માગણી કરવામાં આવી રહી હતી કે શીપ બ્રેકર્સ રૂ.100 પ્રતિ ટનનો લોડિંગ ચાર્જ વસુલ કરે તેને હટાવવો જોઈએ. ગુરૂવારે શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસો. (ઇન્ડીયા)ની મળી ગયેલી બેઠકમાં લોડિંગ ચાર્જ હટાવવા બાબતે નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ રી-રોલિંગ મિલ એસો. અને ટ્રક એસો. દ્વારા માંગણી કરવામાં આવી હતી કે, જ્યારે લોડિંગ ચાર્જ થોપાયો હતો ત્યારે લેખિતમાં લેટરહેડ પર અપાયુ હતુ, હવે મૌખિક વાત ચાલે નહીં, અમારી માંગણી અને હડતાળ યથાવત્ રહેશે.
અલંગમાં ટ્રક-ટ્રાન્સપોર્ટ અને રોલિંગ મિલ એસો.ની માંગણી મુજબ લોડિંગ ચાર્જ રૂ.100 પ્રતિ ટન નાબૂદ કરવાનો અને જૂની પધ્ધતિ મુજબ કામગીરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અલંગમાં જ્યારે લોડિંગ ચાર્જ લગાડાવમાં આવ્યો હતો ત્યારે 15-05-2020ના રોજ શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ઇન્ડીયા) દ્વારા લેટરહેડ પર સરક્યુલર જાહેર કરી અને રૂ.100 પ્રતિ ટન લોડિંગ ચાર્જ લગાડવામાં આવ્યો હતો. હવે મૌખિક રીતે લોડિંગ ચાર્જ નાબૂદ કરવાની વાતો કરે છે, પરંતુ લેટરહેડ પર લેખિતમાં બાંહેધરી આપવા તૈયાર નથી.