- દિલ્હીમાં વાયુ પ્રદુષણનો કહેર યથાવત
- 26 નવેમ્બર સુધી ટ્રકોની એન્ટ્રી બંધ
- તમામ શાળાઓને બંધ રાખવાનો આદેશ
દિલ્હી :રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણને કારણે 26 નવેમ્બર સુધી ટ્રકોની એન્ટ્રી બંધ રહેશે.દિલ્હી સરકારે આ નિર્ણય લીધો છે. જો કે, આવશ્યક સેવાઓમાં રોકાયેલા ટ્રકોને આમાંથી મુક્તિ આપવામાં આવી છે.તો,આગામી આદેશો સુધી, દિલ્હી સરકારે પહેલાથી જ તમામ શાળાઓને બંધ રાખવાનો આદેશ જારી કરી દીધો છે.
દિલ્હીમાં પ્રદૂષણ અંગે જારી કરાયેલી માર્ગદર્શિકા અને તમામ નિયંત્રણો 21 નવેમ્બર સુધી હતા, તેથી પર્યાવરણમંત્રી ગોપાલ રાય સોમવારે બપોરે 12:30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ માહિતી આપશે. આ પહેલા રવિવારે જ શાળાઓને લઈને નિર્ણય લેવામાં આવ્યો હતો. ડિરેક્ટોરેટ ઑફ એજ્યુકેશનનું કહેવું છે કે આગામી આદેશો સુધી શાળાઓમાં કોઈ ફિઝીકલ વર્ગો નહીં હોય. પરંતુ આ દરમિયાન ઓનલાઈન વર્ગો અને બોર્ડની પરીક્ષાઓ શરૂ રહેશે. આ સાથે જ બિનજરૂરી ચીજવસ્તુઓ લઈ જતી ટ્રકો પર લાદવામાં આવેલા પ્રતિબંધમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
દિલ્હી સરકારના જણાવ્યા મુજબ 26 નવેમ્બર સુધી દિલ્હીમાં આવશ્યક સેવાઓમાં રોકાયેલા ટ્રકો સિવાય અન્ય ટ્રકોનો પ્રવેશ બંધ રહેશે. આ સાથે દિલ્હી સરકારના કર્મચારીઓ શુક્રવાર સુધી ઘરેથી કામ કરવાનું ચાલુ રાખશે. દિલ્હીમાં પ્રદૂષણને કારણે દિલ્હી સરકારે આ પ્રતિબંધો ચાલુ રાખ્યા છે. પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે દિલ્હી સરકારે બુધવારે 10 સૂચનાઓ જારી કરી હતી. જેમાં બિનજરૂરી ચીજવસ્તુઓ વહન કરતી ટ્રકો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. શાળા-કોલેજોની સાથે બાંધકામના કામ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
કોરોના સંક્રમણના કારણે લાંબા સમય બાદ શાળાઓ ખોલવામાં આવી હતી. હવે ખરાબ હવાના કારણે શાળાઓ ફરી એકવાર બંધ કરી દેવામાં આવી છે. શિક્ષણ વિભાગે આગામી આદેશ સુધી શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. જો કે, આ સમયગાળા દરમિયાન ઓનલાઈન વર્ગો પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે લાદવામાં આવેલા નિયંત્રણોની સમીક્ષા કરવા સોમવારે એક બેઠક યોજાશે. આ બેઠક દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાય વરિષ્ઠ અધિકારીઓ સાથે કરશે.