અમદાવાદઃ રાજ્યમાં રેશનિંગની દુકાને સરકારની અલગ અલગ યોજના અંતર્ગત ગરીબથી લઈને મધ્યમ વર્ગના લોકોને અનાજ નજીવા દરે પૂરું પાડવામાં આવે છે. જેમાં કોરોના મહામારીમાં સૌથી વધારે લોકોએ આ યોજનાનો લાભ લઈને અનાજ મેળવ્યું છે. જો કે ટ્રકમાં જીપીએસ ન લગાડાતા ફૂડ એન્ડ સિવિલ સપ્લાય દ્વારા ટ્રાન્સપોર્ટર પાસે દંડ વસૂલાતા રેશનિંગની દુકાન સુધી અનાજનો જથ્થો નહીં પહોંચે. કારણ કે ટ્રાન્સપોર્ટર હડતાળ પર ઉતર્યા છે અને તેને યથાવત રાખી છે. જેથી ગરીબોને અનાજનો જથ્થો નહીં મળે.
રાજ્ય સરકારે રેશનિંગનું અનાજ ટ્રાન્સપોર્ટર્સ દ્વારા સગેવગે કરવામાં ન આવે તે માટે રેશનિંગના અનાજની હેરાફેરી કરતી ટ્રકો પર જીએસપી લગાડવાનો નિયમ બનાવ્યો છે.રાજ્યમાં અંદાજીત 72 લાખ કાર્ડ ધારકોને રેશનિંગની દુકાનમાંથી અનાજ પૂરું પાડવામાં આવે છે. પરંતુ રેશનિંગની દુકાનનો અનાજ સપ્લાય કરતા ટ્રાન્સપોર્ટર્સ અને સરકાર વચ્ચે પેનલ્ટીને લઈને વિવાદ થતાં તેઓ હડતાળ પર ઉતર્યા છે. જેથી હવે રેશનિંગની દુકાને સમયસર અનાજ પહોંચશે નહીં. ટ્રાન્સપોર્ટર્સને GPS ન લગાડવા અને તકનિકી ખામીના કારણે દંડ ફટકારવામાં આવ્યો હોવાનો તેઓ દાવો કરે છે. જેથી રૂ. 50 લાખ જેટલી રકમ કાપી લેવા માટે ઓર્ડર કરવામાં આવ્યો છે. આ ટ્રાન્સપોર્ટરો થકી આ અનાજની ડોર સ્ટેપ ડિલિવરી એટલે કે દુકાને ડિલિવરી થાય સમયસર થાય તે માટે આ GPS લગાડવામાં આવ્યું છે. આ દુકાનદારોને જો હવે અનાજનો જથ્થો નહીં મળે તો ગરીબને ભૂખ્યું રહેવાનો વારો આવશે.
સસ્તા અનાજ દુકાન એસોસિએશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ હડતાળ પાછળ એક જ વ્યક્તિનો અહંમ છે. ફૂડ એન્ડ સિવિલ સપ્લાયના ડાયરેક્ટર તુષાર ધોળકિયા પોતાના અહંમને સતોષવા માટે મસમોટો દંડ ફટકારી રહ્યા છે. GPS લગાવે અને તેનું મોનિટરિંગ થાય. પરંતુ હવે જો અનાજની ડિલિવરી માટે કોઈ ટ્રક ગોડાઉનમાંથી નીકળે અને તકનિકી ખામીના લીધે GPS ટ્રેક ન થાય તો તેઓએ તેની ઇન્કવાયરી કરવી જોઈએ. તેઓ ઇન્કવાયરી કર્યા વગર જ દંડ ફટકારે એ યોગ્ય નથી. જેના કારણે હવે આ હડતાળ ચાલી રહી છે. ટ્રાન્સપોર્ટર્સની માંગ છે, આ દંડ બાબતે સરકાર વિચારી ને તેમને રાહત આપે. અમે નથી ઇચ્છતા કે અમારા કારણે ગરીબને અનાજ ન મળે. પરંતુ આટલો મોટો દંડ અમને ફટકારવામાં આવ્યો છે. જેથી અમને પણ ઘણું નુકસાન થયું છે. અમે GPSનો વિરોધ નથી કરતા, કોન્ટ્રાક્ટર જ્યારે અનાજની ડિલિવરી કરીએ ત્યારે દુકાનદારની સહી સાથે રિસિપ્ટ લેતાં હોય છે. એટલે માત્ર આ GPSના નામે આ અધિકારી પોતાનો અહંમ સંતોષે છે. જોકે આજે સરકાર જોડે ટ્રાન્સપોર્ટર્સ એસોસિએશનની મિટિંગ છે જેમાં યોગ્ય નિર્ણય આવે તેવી આશા રાખીએ.
રાજ્યભરના ગોડાઉનથી રેશનિંગનો અનાજ સહિતનો જથ્થો સસ્તા અનાજની દુકાને પહોંચાડવાથી ટ્રાન્સપોર્ટર બે દિવસથી હડતાળ કરી રહ્યા છે. રાજ્યભરનાં 260થી વધુ ગોડાઉનના ઈજારદારોને રેશનિંગ જથ્થાનું વહન કરતા અને ડોર સ્ટોપ ડિલિવરી કરતા ટાન્સપોર્ટર્સને GPS સિસ્ટમને લઈને સપ્લાય વિભાગે કરેલા લાખો રૂપિયાનો દંડ સામે વિરોધ દર્શાવવા અનાજ સહિતનો જથ્થો ગોડાઉનથી લાવવા લઈ જવાની કામગીરી પર બ્રેક મારી દીધો છે.