અમદાવાદઃ અમરેલીના બાઠડા ગામ પાસે પૂરઝડપે પસાર થતા ટ્રકના ચાલકે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રક રોડની સાઈડમાં સૂઈ રહેલા પરિવાર ઉપરથી ફરી વળી હતી. જેથી શ્રમજીવીઓની મરણચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ દૂર્ઘટનામાં આઠ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયાં હતા. જ્યારે 12 લોકોને ગંભીર ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. આ દૂર્ઘટના અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુઃખ વ્યક્ત કરીને મૃતકોને રૂ. 4-4 લાખની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ઘટનાની તાત્કાલિક તપાસ કરીને અહવેલા મોકલવા અમરેલી કલેક્ટરને આદેશ કર્યા છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના બાઢડા ગામ નજીક થયેલા ગમખ્વાર અકસ્માતની ઘટનાથી શોકગ્રસ્ત છું. અકસ્માતનો ભોગ બનેલા લોકોને ત્વરિત અને યોગ્ય મદદ પુરી પાડવા તંત્રને તમામ સૂચનાઓ આપી છે. રાજ્ય સરકાર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય આપશે.
— Vijay Rupani (@vijayrupanibjp) August 9, 2021
પ્રાપ્ત માહિતી અનુસાર સાવરકુંડલાના બાઢડા ગામ પાસે ઝુંપડામાં રહેતા શ્રમજીવી પરિવારના સભ્યો ઘર પાસે રોડની સાઈડમાં સૂઈ ગયા હતા. દરમિયાન મધ્યરાત્રિ બાદ પૂરઝડપે પસાર થતી ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને સૂઈ ગયેલા પરિવારના સભ્યો ઉપરથી ટ્રક ફરી વળી હતી. આ દૂર્ઘટનામાં આઠ વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરૂણ મોત થયાં હતા. જ્યારે 12 જેટલી વ્યક્તિઓને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી પોલીસે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. જે પૈકી ચારની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. દૂર્ઘટના બાદ ટ્રક રોડની સાઈડમાં 8 ફુટ ઉંડા ખાડામાં પણ હતી. આ ટ્રકના ચાલકનું નામ પ્રવીણ હોવાનું જાણવા મળે છે. પોલીસે તમામ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપીને તેમની ઓળખ મેળવવાની કવાયત આરંભી હતી. આ દૂર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
સમગ્ર દુર્ઘટના અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ મૃતકોના પરિવારજનોને સાંત્વના આપીને ચાર-ચાર લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. આ ઉપરાંત સમગ્ર ઘટનાની અમરેલી કલેકટરને તપાસ કરીને તાત્કાલિક અહેવાલ મોકલી આપવા આદેશ કર્યો હતો.