અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરનારાઓના દેશનિકાલ માટે ટ્રમ્પે તૈયાર કર્યો એક્શન પ્લાન
વર્ષ ૨૦૨૪ ની અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં યુએસમાં ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે રહેતા ઇમિગ્રન્ટ્સ મુદ્દે કડક પગલા લેવામાં આવશે તેવી જાહેરાત કરી હતી અને હવે જયારે તેઓ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે ત્યારે ગેરકાયદે રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ગેરકાયદે અમેરિકામાં રહેતા લોકોને ભય છે કે તેમને ગમે ત્યારે અમેરિકાની સરકાર દેશનિકાલ કરાવી દેશે. ટ્રમ્પે આ માટે એક એક્શન પ્લાન પણ તૈયાર કર્યો છે. જેને લઈ ગેરકાયદે વસાહતીઓની ઊંઘ ઉડી ગઈ છે. ટ્રમ્પે 2017થી 2021 સુધીની તેમની પહેલી ટર્મમાં 15 લાખ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કર્યા હતા પરંતુ ડેમોક્રેટિક પાર્ટીના બાઈડેને ૨૦૨૧ થી ૨૦૨૪ સુધીમાં 28 લાખને દેશનિકાલ કર્યા છે. મતલબ કે બાઈડેન તો આ મામલે ટ્રમ્પ કરતા પણ વધુ કડક રહ્યા છે.
ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળમાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને અટકાવવા માટે મેક્સિકો બોર્ડર પર દીવાલ બનાવવાનું પણ વચન આપ્યું હતું, પરંતુ તે પૂર્ણ કરી શક્યા નહીં. ત્યારે હવે ૨૦૨૪ માં તેમની બીજી ટર્મમાં ટ્રમ્પે હોમનને બોર્ડર ચીફ બનાવ્યા છે, હવે વર્કપ્લેસમાં ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને શોધવા માટે દરોડા પાડવામાં આવશે તેવો પણ ભય સતાવી રહ્યો છે . ટ્રમ્પે એક સોશિયલ પોસ્ટમાં જણાવ્યું હતું કે હોમન જળ, સ્થળ અને હવાઈ સરહદોની સુરક્ષા માટે જવાબદાર રહેશે.
હોમનની નિમણુક થતા જ જણાવ્યું હતું કે ઇમિગ્રન્ટ્સને શોધી કાઢવા માટે દેશભરમાં ઓફિસો અને અન્ય કાર્યસ્થળો પર દરોડા પાડવામાં આવશે. બાઈડેન સરકારે આ પ્રકારની કાર્યવાહીઓ બંધ કરી દીધી હતી. તો આ મુદ્દે ભારતીય મૂળના દિગ્ગજ રિપબ્લિકન નેતા વિવેક રામાસ્વામીએ સૂર પુરાવ્યો હતો કે અમેરિકામાં ઘૂસણખોરો માટે હવે કોઈ સ્થાન નથી. બાઈડેન સરકાર દરમિયાન ગેરકાયદે વસાહતીઓને રોકવાની સિસ્ટમ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ. આ વાતને લઈને ગેરકાયદે વસવાટ કરતા ભારતીયોમાં સોંપો પડી ગયો છે. તો જે લોકો ગેરકાયદે જવાની ફિરાકમાં હતા તેમના પણ અરમાનો પર પાણી ફરી વળ્યું છે.