Site icon Revoi.in

ગુજરાતમાં ચાર બેઠકો જીતવાનો કોંગ્રેસને ભરોસો, ભાજપને ક્લિન સ્વિપનો વિશ્વાસ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની મત ગણતરીને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. એક્ઝિટ પોલ ભાજપ-એનડીએને 350થી વધુ બેઠકો મળવાનો દાવો કરી રહ્યું છે, સાથે ભાજપ પણ ગુજરાતમાં તમામ બેઠકો પર જીત મેળવવાનો વિશ્વાસ રાખી રહી છે. જ્યારે કોંગ્રેસને ગુજરાતમાં ચાર બેઠકો પર જીત મળશે એવો ભરોસો છે. જ્યારે 10થી 12 બેઠકો એવી છે. કે જ્યાં ભાજપ-કોંગ્રેસ આપ વચ્ચે કાંટે કી ટક્કર છે. જેમાં ભરૂચની બેઠક આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા અને ભાજપના મનસુખ વાસાવા વચ્ચે ભારે રસાકસી છે. ઉપરાતં સુરેન્દ્રનગર, બનાસકાંઠા, આણંદ કેટલીક બેઠકો એવી છે કે, જે પણ જીતશે તે પાતળી બહુમતીથી જીતશે.

લોકસભાની ચૂંટણી માટે આવતી કાલે મંગળવારે સવારે 8 વાગ્યાથી મત ગણતરી શરૂ થશે. કોણ જીતશે, કે કોણ હારશે તે તો ઈવીએમ ખૂલ્યા બાદ જ ખબર પડશે. એક્ઝિટ પોલના તારણો સાચા પડે તો મોદી સરકાર હેટ્રિક કરશે. ગુજરાતમાં પણ ભાજપનો દાવો છે કે, ત્રીજી વાર ભાજ૫ 26 માંથી 26 બેઠકો જીતીને ક્લિન સ્વિપ કરશે. જોકે સુરતની બેઠક તો ભાજપ બિનહરિફ તરીકે જીતી ગયો છે એટલે હવે 25 જ બેઠકના પરિણામોની રાહ જોવાઈ રહી છે. જ્યારે  કોંગ્રેસના નેતાઓને ભરોસો છે કે,  ચાર બેઠકો પર જીત હાંસલ કરશે.

ગુજરાત ભાજપના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, ગુજરાતની પ્રજાએ નરેન્દ્ર મોદીને મત આપ્યો છે. વિકાસની રાજનીતિ પર વિશ્વાસ રાખ્યો છે. ભાજપ હેટ્રીક કરશે તેમાં બેમત નથી. ક્ષત્રિય આંદોલનની કોઇ અસર થવાની નથી.  જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઝૂમ મીટીંગ કરી ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો સાથે પરિણામને લઈને વાતચીત કરી હતી.  દરમિયાન, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે દાવો કર્યો કે, ગુજરાતમાં કોંગ્રેસ ચાર બેઠકો જીતશે. 12 બેઠકો પર કોંગ્રેસ કાંટે કી ટક્કર આપશે. આ વખતે ગુજરાતની જનતા ભાજપને પરચો દેખાડશે. આપ નેતા ઈસુદાન ગઢવીએ આશા વ્યક્ત કરીકે, ઈન્ડિયા ગઠબંધન સારુ પ્રદર્શન કરશે. આપ-કોંગ્રેસ ભરૂચ- સુરેન્દ્રનગર બેઠક જીતશે તેમાં શંકાને સ્થાન નથી. આમ, એકિઝટ પોલ અને સટ્ટાબજારે તો ગુજરાતમાં ભાજપ હેટ્રીક કરશે તેવા અનુમાન વ્યક્ત કર્યા છે પણ કોંગ્રેસને વિશ્વાસ છે કે, આ વખતે ગુજરાતમાં ખાતુ ખૂલશે.