Site icon Revoi.in

ગુજરાતમાં ટ્રસ્ટોએ હવે મિલકતોના વેચાણ કે લીઝ માટે ચેરિટી કમિશનરની મંજુરી લેવી પડશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં  ટ્રસ્ટોએ હવે તેની મિલ્કતોના વેચાણ કે લીઝ કરાર કરતા પૂર્વે ચેરીટી કમિશ્નરની મંજુરી ફરજિયાત લેવી પડશે. આ અંગે રાજયના નોંધણીસર નિરીક્ષક અને સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ દ્વારા ખાસ પરિપત્ર ઈશ્યુ કરવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  રાજ્યમાં જીપીટીએફ 1950 અન્વયે નોંધવામાં આવેલા ટ્રસ્ટોની મિલ્કત વેચાણ, લીઝ, બક્ષીસ કે અદલો બદલો કરવા બાબતે કલબ-3 અન્વયે મંજુરી લેવા અરજીઓ કરવામાં આવતી હોય છે. આવી અરજીઓની ચકાસણી કરી નિયમ અનુસાર કાર્યવાહી કરી આ બાબતે મંજુરી આપવામાં આવે છે.
જયારે ઘણા કિસ્સાઓમાં આ અંગેની અરજીઓ નામંજુર પણ કરવામાં આવે છે. જે બાબતે હવે ટ્રસ્ટોની મિલ્કતોના વેચાણ કે લીઝ કરાર કરતા પૂર્વે ચેરીટી કમિશ્નરની મંજુરી લેવી ફરજિયાત કરી દેવામાં આવી છે. મંજુરી વગર જો આવા વ્યવહારો કરાશે તો તેને ગેરકાયદેસર ગણાશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ચેરીટી કમિશ્નરના ધ્યાને આવ્યુ હતુ કે, ઘણા ટ્રસ્ટીઓ વહીવટકર્તાઓ ટ્રસ્ટની મિલકતો અંગે આ જાતના વ્યવહારો કરતા પહેલા જે તે ખરીદનાર પાર્ટી સાથે એમઓયુ કરતા હોય છે. આ એમઓયુ કરી ટ્રસ્ટીઓ અને ટ્રસ્ટના વહીવટકર્તાઓ તેવી પાર્ટીઓ પાસેથી ટોકન સ્વરૂપે રકમ મેળવતા હોય છે તે તદન ગેરવ્યાજબી છે. આવી પ્રવૃતિને કારણે ટ્રસ્ટની મિલકતો સબંધમાં મોટા પ્રમાણમાં લીટીગેશન થવાની સંભાવના રહેલી છે. જેથી ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓ કે વહીવટકર્તાઓ આવી પ્રવૃતિઓ ન કરે તે ટ્રસ્ટના હિતમાં છે.

ચેરિટી કમિશનર કચેરીના સૂત્રોના કહેવા મુજબ  ટ્રસ્ટની પ્રોપર્ટી વેડફાઈ ન જાય અને ટ્રસ્ટના વહીવટમાં પારદર્શકતા જળવાઈ રહે તે માટે ગુજરાત પબ્લીક એકટ 1950 અન્વયે નોંધાયેલા ટ્રસ્ટો દ્વારા ટ્રસ્ટોની મિલકત વેચાણ, લીઝ, બક્ષીસ કે અદલો બદલો કરવા સબંધે જો કોઈ દસ્તાવેજ સબ રજીસ્ટ્રાર સમક્ષ રજુ થાય તો તે વખતે દસ્તાવેજ રજીસ્ટર કરનાર ઓથોરીટીએ પ્રથમ ચેરીટી કમિશ્નરની પૂર્વ મંજુરી મેળવેલ છે કે કેમ? તેવા હુકમની નકલ દસ્તાવેજ સાથે રજુ કરેલ છે કે કેમ? તેની ચકાસણી બાદ જ દસ્તાવેજ રજીસ્ટર કરવા નોંધણીસર નિરીક્ષક દ્વારા સબ રજીસ્ટ્રાર કચેરીઓને આદેશ કરવામાં આવ્યો છે.