નવી દિલ્હીઃ મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધીને મોટી રાહત મળી હતી. ગુજરાતની અદાલતે મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને ફરમાવેલી સજા ઉપર સર્વોચ્ચ અદાલતે સ્ટે ફરમાવ્યો છે. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધીએ કોર્ટના આદેશને સત્યની જીત દર્શાવી છે. આ ઉપરાંત કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ મલિલ્કાર્જુન ખડગેએ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.
કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, આ માત્ર રાહુલ ગાંધીની જીત નથી પરંતુ દેશની જનતાની જીત છે. અમે સુપ્રીમ કોર્ટના આદેશનું સ્વાગત કરીએ છીએ. હજુ સંવિધાન જીવીત છે. ન્યાય મળી શકે છે, આ સામાન્ય પ્રજાની જીત છે, લોકતંત્ર અને જનતાની જીત છે. સત્યમેવ જયતે વાળા ધ્યય વાક્યની જીત છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરવામાં માત્ર 24 કલાક લાગ્યા હતા. 24 કલાકમાં ઘણુ બધુ થયું.
રાહુલ ગાંધીએ કહ્યું કે, આજે નહીં તો કાલે હંમેશા જીત સત્યની જ થાય છે. મારા માર્ગ ક્લિયર છે, મારુ શું કામ છે અને મારે શું કરવાનું છે, તેને લઈને મારી પાસે ક્લિયરિટી છે.
મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધીને રાહત મળતા કોંગ્રેસ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. તેમજ મીઠાઈ વેચીને એક-બીજાનું મોઢુ મીઠું કરાવ્યું હતું. એટલું જ નહીં કોંગ્રેસના મુખ્ય કાર્યાલય ઉપર મોટી સંખ્યામાં ઉમટી પડેલા કોંગ્રેસના સમર્થકોએ ઠોલ-નગારા સાથે ઉજવણી કરી હતી.