અમદાવાદઃ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી પર ઈડીએ પાઠવેલા સમન્સના વિરોધમાં શહેરના સરદારબાગ ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ-પ્રદર્શનનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો – આગેવાનોને સંબોધન કરતા ગુપ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, પેપર ફૂટે પ્રશ્ન ન પૂછો, મોંઘવારી સતત વધે તો પ્રશ્ન ન પૂછો, રૂપિયાનું સતત ધોવાણ થાય તો પણ પ્રશ્ન ન પૂછો, વેપાર ધંધા પડી ભાંગે તો પ્રશ્ન ન પૂછો, ખેડૂત આંદોલન ન કરે, બેરોજગાર આંદોલન ન કરે, મહિલાઓ આંદોલન ન કરે, કર્મચારીઓ પોતાના હક્ક અધિકાર માટે બહાર ન આવે તે માટે વારંવાર પોલીસ તંત્ર અને કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી ભાજપ જનતાનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ કોંગ્રેસ મજબુતાઈથી જનતાનો અવાજ રજુ કરશે.સતત જનતાના અવાજ ઉઠાવતા કોંગ્રેસ પક્ષના નેતાના સત્યથી મોદી સરકાર ડરી ગઈ છે. સત્યને દબાવી શકાતુ નથી, ઝુકાવી શકાતુ નથી.
તેમણે જણાવ્યું હતું કે, ભાજપ સરકારની કિન્નાખોરીભરી રાજનીતિથી લોકતંત્ર માટે ખતરો ઉભો થયો છે. કોંગ્રેસ પક્ષ સામાન્ય – મધ્યમવર્ગ, શોષિત – વંચિત, ગરીબ, ખેડૂતો, દલિત સહિતના લોકોનો અવાજ મજબુતાઈથી ઉઠાવતા રહ્યાં છે. કોંગ્રેસનો કાર્યકર એ લોકશાહીનો સિપાહી છે અને સંવિધાનનો રખેવાળ છે. કોંગ્રેસ પક્ષના આગેવાન – નેતા વિરૂદ્ધ સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરતી ભાજપ સરકારના હથકંડાઓથી કોંગ્રેસ પક્ષ ના ડરશે, ના ઝુકશે, ના દબાશે, કોંગ્રેસપક્ષ ફક્ત સત્યના રસ્તે ચાલી ભાજપના તમામ પ્રયાસોને વિફળ કરશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નેશનલ હેરાલ્ડના નામે મોદી સરકાર કોંગ્રેસ નેતૃત્વ પર ખોટા કેસ કરવાની મોટી ભુલ કરી છે. નેશનલ હેરાલ્ડ સ્વાતંત્ર સેનાનીઓનું અવાજ બન્યું હતું. નેશનલ હેરાલ્ડએ સ્વાતંત્ર સંગ્રામની ઓળખ પણ છે અને અવાજ પણ છે. જે આજે પણ દિલ્હીના શાસન પર બિરાજમાન સત્તાધિશો સામે મક્કમતાથી અવાજ ઉઠાવી રહ્યું છે. કોંગ્રેસ પક્ષના નેતૃત્વએ આઝાદીની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવતા નેશનલ હેરાલ્ડની નાણાંકીય કટોકટીના સમયે મહેનતુ પત્રકારોના પગાર, અખબાર ચલાવવા અને અન્ય કામગીરી માટે આર્થિક મદદ કરી હતી. ત્યારે દેશ પુછે છે કે, અંગ્રેજો સામે હિંદુસ્તાનીઓનો અવાજ બુલંદ કરનાર અખબારની સંસ્થાને નાણાંકીય મદદ કરવી શું ગુન્હો છે ? કોંગ્રેસ પક્ષ એ ગાંધી – સરદારની ઉત્તરાધિકારી છે. જે વિભાજનકારી એજન્ડા ધરાવતી ભાજપની બદલાની રાજનીતિથી કદાપી ડરશે નહીં.
ઈડીના સમન્સના વિરોધમાં અમદાવાદ સરદારબાગ ખાતે આયોજીત વિરોધ પ્રદર્શનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયા, અમિત ચાવડા, સિધ્ધાર્થ પટેલ, પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય હિંમતસિંહ પટેલ, અને જીજ્ઞેશ મેવાણી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, દંડક ડૉ. સી.જે. ચાવડા, સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.